જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે બાજરીના પાક અંગે તાલીમ સત્રનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    ગત વર્ષ 2023 ને ”આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ” તરીકે ઉજવવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતોને બાજરા પાકની વિકસાવેલી નવી બાયો-ફોર્ટીફાઈડ જાત GHB-1129 (જામ શક્તિ) ના પ્રથમ હરોળના નિદર્શનો અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.કે.પી.બારૈયા, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો.કે.ડી.મુંગરા અને કૃષિ વૈજ્ઞાનિક એન.ડી.અંબાલીયા દ્વારા અલીયાબાડા ગામના ખેડૂત સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ખાતે બાજરાની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, બાજરાનું ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય વર્ધન વગેરે વિષયો ઉપર ખેતર ઉપર જ ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી.

ઉક્ત નિદર્શન પ્લોટ જોતા ખેડૂતોએ જામ શક્તિ બાજરાની જાત અન્ય જાતોની સરખામણીએ ખૂબ જ ભરાવદાર ડુંડા, એક સરખો પાક, વધુ ફૂટ તેમજ તાપ સામે પ્રતિકારક (હિટ ટોલરન્સ), પશુ ઘાસચારા તરીકે પણ સારું ફોડર ક્વોલીટી તેમજ વહેલી પાકી જાય તેવી જાત તરીકે ગણાવી હતી. આ અંગે કૃષિ વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ જાત અન્ય જાત કરતા વધુ પ્રમાણમાં લોહ તત્વ (Fe)અને જસત/ઝીંક (Zn) ખૂબ જ વધુ પ્રમાણમાં ધરાવે છે. તેથી તે ખોરાકમાં ન્યુટ્રીશન માટે વધુ સારો વિકલ્પ ગણી શકાય. આ તાલીમ સત્ર દરમિયાન 28 જેટલા ખેડૂતોએ કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment