તા. ૪ જુન ના રોજ મતગણતરી

હિન્દ ન્યુઝ, આણંદ

   લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે તા. ૪ થી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮-૦૦ કલાક થી શરૂ કરવામાં આવનાર છે.જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.

        માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડ વાર મતગણતરીની વિગતો પહોંચાડવાની તથા આનુસંગિક વ્યવસ્થાઓની માહિતી, મત ગણતરી કેન્દ્ર ખાતે જનરલ ઓબ્ઝર્વર નિયુક્તિની વિગતો,હરિફ ઉમેદવારે નિયુક્ત કરેલા તેમના મતગણતરી એજન્ટો તથા ચૂંટણી એજન્ટોને વિગતો, મોબાઈલ ફોન તથા અન્ય વિજાણું યંત્રો સલામત કસ્ટડીમાં મુકવા સહિતની બાબતો અંગેની વિસ્તૃત વિગતો જણાવી હતી.

        વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ લોકસભામાં સમાવિષ્ટ ૦૭ વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ-અલગ હોલમાં વિવિધ રાઉન્ડમાં મતગણતરી યોજાશે. જેમાં કુલ- ૧૧,૫૭,૭૬૩ ઇ.વી.એમ.ના મતો અને ૧૪,૩૩૭ પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આણંદ બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્યવવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝંર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ ૨૦૦૦ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે. એક વિધાનસભા મત વિસ્તારર દીઠ ૧૪ ટેબલ એમ કુલ ૦૭ વિધાનસભાના મળી કુલ ૯૮ ટેબલ ઈ.વી.એમ. માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગ હોલમાં ૨૮ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું

        આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખંભાત, આંકલાવ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારની મતગણતરી ૧૭ રાઉન્ડમાં, બોરસદ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી ૧૯ રાઉન્ડમાં, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી ૨૧ રાઉન્ડમાં અને આણંદ વિધાનસભા મત વિસ્તારની મત ગણતરી ૨૨ રાઉન્ડમાં પૂર્ણ થશે.

    ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની વિગતો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૧૪ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ૧૭ કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૧૭ કાઉન્ટિંગ માઇક્રો ઓબ્ઝર્વર મળીને કુલ ૫૧ અધિકારી – કર્મચારીઓ ફરજ બજાવશે.

        ૧૬-આણંદ લોકસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ માટેની વિગતો આપતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે,પોસ્ટલ બેલેટ માટે કુલ ૨૮ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૩૬ કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૭૨ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને ૩૬ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૧૧૪ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. તેવી જ રીતે ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં થયેલ પોસ્ટલ બેલેટ મતદાનના કાઉન્ટિંગ માટે ૦૪ કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં પાંચ કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૧૦ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને પાંચ કાઉન્ટિંગ માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૨૦ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે.

        મીડિયા કર્મીઓ સાથેના સંવાદમાં કવરેજ કરવા માટેના માર્ગદર્શન સૂચનો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે,ચૂંટણી પંચના માર્ગદર્શિકા મુજબ મતગણતરીના ૧૦૦ મીટર સુધીના પરિસરમાં મોબાઈલ ફોન કે સ્માર્ટ વોચ રાખીને પ્રવેશ કરી શકાશે નહીં તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં પત્રકાર મિત્રો માત્ર મતગણતરી સેન્ટર ખાતે ઊભા કરવામાં આવેલ મિડિયા રૂમ ખાતે જ મોબાઈલ રાખી શકશે તેમ તેમણે જણાવ્યુ હતું.

        આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ વિદ્યાનગર નગરપાલિકાના સામેના મેદાનમાં મિડિયાકર્મીઓ માટે પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાં મિડિયાના કર્મીઓને તેમના વાહનો પાર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમજ એજેન્ટો માટે વિદ્યાનગર બસ સ્ટેન્ડના પ્લોટમાં પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવી જસાણીએ પાર્કીંગના સ્થળે ચૂંટણીતંત્રએ ફાળવેલ આઈકાર્ડ તપાસીને જ પાર્કીગ કરવા દેવામાં આવશે તેમ ઉમેર્યુ હતું અને મીડિયા કર્મીઓને તેઓના આઈકાર્ડ સાથે રાખવા જણાવ્યું છે.

        આ પ્રસંગે પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન અને જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment