જાન્યુઆરી મહિનો સર્વાઈકલ કેન્સર અવેરનેસ મંથ
હિન્દ ન્યુઝ, જામનગર
ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ભારતીય સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં બીજા નંબરે છે. જાન્યુઆરી મહિનાને ગર્ભાશયના મુખના કેન્સરના મહિના તરીકે ઉજવવામાં આવે છે જે અનુસંધાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગરના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્ય અંતર્ગત રિલાયન્સ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને પીએસએમ વિભાગ, એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જામનગરના સંયુક્ત ઉપક્રમે સિક્કા ખાતે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના લક્ષણોની તપાસ, તેના સામાન્ય લક્ષણો અને ઉપલબ્ધ સારવાર તથા તેનાથી બચાવ માટે ઉપલબ્ધ વેક્સિન વિશેની વિસ્તૃત સમજ તેમજ ગર્ભાશયના મુખના કેન્સર વિશેની સમાજમાં પ્રવર્તતી શંકા કુશંકાઓ અને માન્યતાઓ, ગેર માન્યતાઓ અંગે વિગતવાર માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ તબક્કે સિક્કા માંથી મોટી સંખ્યામાં જાગૃત મહિલાઓ, શિક્ષિકાઓ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર તથા આરોગ્ય વર્કરે હાજર રહી વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ જાગૃતિ અભિયાનમાં ડો.દિશા શાહ , ડો.મોનિકા પટેલ ડો.નિધિ ત્રિવેદી અને ડો.અંજલી દવેએ યોગદાન આપ્યું હતું.