શ્રાવણની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને કરાયો સર્વદેવમય રથારોહણ શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ 

     સોમનાથ તા.13/09/2023, શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી, બુધવાર નાં રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન અવસરે રથારોહણ શ્રૃંગાર થી અલંકૃત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર પાછળનો ધાર્મિક મહિમા જાણીએ તો ભગવાન રુદ્રનું નવમું સ્વરૂપ શર્વ કહેવાય છે. તેમને શર્વરુદ્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે તમામ દેવતાઓ દ્વારા નિર્મિત રથ પર બેસીને ત્રિપુર નો નાશ કર્યો હતો.  

શર્વનો એક અર્થ સર્વવ્યાપી, સર્વાત્માં અને ત્રિલોક અધિપતિ પણ કેહવામાં આવે છે. બ્રહ્માએ બધા દેવતાઓ સાથે મળીને ત્રિપુરના વિનાશ માટે ભગવાન રુદ્રને પ્રાર્થના કરી અને કહ્યું હતું કે “ભગવાન! તમે શર્વ છો કારણ કે તમે દેવતાઓના સાર્વભૌમ સમ્રાટ છો. આખું જગત તમારું કુટુંબ છે.

જ્યારે શર્વ દેવતાઓના સમ્રાટ બન્યા ત્યારે વિશ્વકર્માએ ત્રિપુરનો નાશ કરવા ભગવાન શર્વ માટે સોનાથી બનેલો દિવ્ય રથ બનાવ્યો હતો. સૂર્ય રથના જમણા પૈડામાં અને ચંદ્ર ડાબા પૈડા બન્યા હતા. છ ઋતુઓ એ ચક્રને જોડનાર નેમી બની હતી, અવકાશ એનો અગ્ર ભાગ બની ગયો અને મંદરાચલ બેઠક સ્થળ બની ગયેલ. સંવત્સર, તે રથની ગતિ અને પંચભૂત તેનું બળ બની ગયા હતા. શ્રદ્ધા એ રથની ગતિ હતી અને વેદના છ અંગો તેના આભૂષણ હતા. શેષનાગની એક હજાર ફેણ એ રથનું દોરડું બની હતી. પુષ્કર જેવા તીર્થસ્થાનોના ધ્વજ બનાવવામાં આવ્યા હતા અને સમુદ્ર એ રથનું વસ્ત્ર હતું. પવિત્ર નદીઓ ગંગા અને તેના જેવી મહાન નદીઓ તે રથમાં ચંવર નાખવાનું કામ કરતી હતી. ચારવેદ એ રથના ચાર ઘોડા બની ગયા. બ્રહ્માજી પોતે એ રથના સારથિ બન્યા, હિમાલય પર્વતનું ધનુષ્ય અને નાગરાજ પ્રત્યંચા બન્યા હતા. ભગવાન વિષ્ણુ બાણ બન્યા અને અગ્નિદેવ એ બાણની ટોચ બન્યાં હતા. ટૂંકમાં, બ્રહ્માંડના સમગ્ર પદાર્થો તે રથમાં સવાર હતા. શર્વ રુદ્ર પશુપતિ બન્યા હતા.

ત્યારપછી ભગવાન શિવ રુદ્રએ પશુપતાસ્ત્ર નામનું બાણ પોતાના ધનુષ પર સ્થિર કર્યું અને તે બાણ ત્રિપુર પર છોડ્યું જે લાખો સૂર્યો જેવું તેજસ્વી હતું. જે તીરે ત્રિપુરા નિવાસી રાક્ષસોનો ક્ષણભરમાં નાશ કર્યો. તે પછી, તે ત્રણ પુર (નગર) પણ બળીને રાખ થઈ ગયા. ચારેબાજુ ભગવાન શિવ રુદ્રની સ્તુતિ થઈ રહી હતી. શર્વ રુદ્રની પૂજા આદિ ભૌતિક રુદ્રના રૂપમાં કરવામાં આવે છે. તેમનું નિવાસસ્થાન આકાશમાં છે. તેઓ સંહારક હોવાથી તેમને શાંત રહેવા પ્રાર્થના કરવામાં આવે છે. 

ત્યારે સોમનાથ મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Related posts

Leave a Comment