સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં સુરતની શાળાઓના ૧ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકો ઉપરાંત ત્રણ કેટેગરીમાં ૧૯થી ૩૫ વયજૂથના યુવા ભાઈઓ-બહેનો, ૩૫ થી ૬૦ વયજૂથના અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય લેવલની યોગ પ્લેયર અને રબર ગર્લ તરીકે વિખ્યાત દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરૂકીયા આ કાર્યક્રમમાં સ્પર્ધકો માટે આકર્ષણનું કેંદ્ર બની હતી. અન્વી ૨૫૦ જેટલા પ્રકારના યોગમાં મહારત ધરાવે છે. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, પ્રાચીન ભારતીય વૈદિક સંસ્કૃતિની અણમોલ ભેટ સમાન યોગ અંગે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં વિધેયાત્મક રજૂઆત કરી, તેમના સાર્થક પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્રએ ૨૧ જુનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરતા યોગને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, ત્યારે જનસામાન્યને યોગ સાધનાની મહત્તા સમજાય તેવા આશયથી વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧મી જુનની વિશ્વ યોગ દિન તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જેને ૬ વર્ષ થશે. તેમણે આ વર્ષે રાજ્ય કક્ષાના યોગ દિનની ઉજવણી સુરતમાં થશે એમ જણાવી સુરત હંમેશા કઈક અલગ અને અનોખા રેકોર્ડ બનાવવાની ખાસિયત ધરાવે છે, ત્યારે આ વખતે સુરત ૧.૫૦ લાખ લોકોના સામૂહિક યોગાભ્યાસ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા પ્રતિબદ્ધ છે એમ મંત્રીએ ઉમેર્યું હતું. ભારતમાં અનેક યુવાનોએ યોગ શિક્ષક તરીકે કારકિર્દી બનાવી હોવાનું જણાવી યોગની મહત્તા તેમણે વર્ણવી હતી. શ્રીમતી જરદોશે કહ્યું કે, પ્રથમ વખત ગુજરાતમાં સાંસદો દ્વારા આ યોગ સ્પર્ધા યોજવામાં આવી છે, જેમાં સુરતમાં દિવ્યાંગ બાળકો સહિત સૌથી વધુ યોગ સ્પર્ધકો જોડાયા છે. વધુમાં વધુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃત બને એ આશયથી સાંસદ યોગ સ્પર્ધાના આયોજન બદલ આયોજકો, યોગ કોચ, ટ્રેનરો, ખેલાડીઓ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈ.કલેક્ટર બી.કે.વસાવા, સુરતના ડીએસઓ ગેસ્ટ્રોલ વળવી, વ્યાયામ શિક્ષકોના પ્રમુખ લલિતભાઈ, ગુજરાત યોગ બોર્ડના ચીફ રેફરી સ્વાતિબેન, સિનિયર કોચ ચેતનભાઈ પટેલ, અમિતભાઈ, કનુભાઈ રાઠોડ અને શાળા યોગ સ્પર્ધકો, દિવ્યાંગ બાળકો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment