હિન્દ ન્યુઝ, ભાવનગર
સંભવિત બિપરજોય વાવાઝોડાના જોખમ ટળતા આ અંગે થયેલી કામગીરી વિશે જિલ્લા કલેકટર આર. કે. મહેતાનો ભાવનગર જિલ્લાના રહેવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો છે.
જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે સંભવિત બિપરજોય વાવાઝોડું ગઈકાલે લેન્ડફોલ થતાં તેની તીવ્રતા ઘટી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના મંત્રીઓ, પ્રભારીમંત્રી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેલ્લાં કેટલાંક દિવસોથી સતત પ્રજાની વચ્ચે રહ્યા હતા.
થોડા દિવસ પહેલા વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે તેની જાણ થઈ ત્યારથી જ રાજ્ય સરકારે અભૂતપૂર્વ આયોજન કર્યું જેથી મોટી જાનહાની અને નુકસાનીમાંથી બચી શકયા છીએ. સમગ્ર ગુજરાતમાં લગભગ એકાદ લાખ લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યું જેને કારણે આયોજનબદ્ધ રીતે વાવાઝોડાના પ્રકોપમાંથી ન્યૂનતમ નુકસાન સાથે બહાર આવી ગયા છીએ.
આ તકે તમામ પ્રભારી મંત્રીઓએ પોતાના જિલ્લાઓની મુલાકાત લઈને લોકો સાથે સંપર્ક કર્યો હતો ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓ લોકો વચ્ચે જઈ અને વાવાઝોડાના પ્રકોપથી કઈ રીતે બચી શકાય એ અંગેની જાગૃતિ, લોકોને સલામત સ્થળે ખસેડવા સુધીની કામગીરી પૂરી પાડી હતી જેથી બહુ મોટી હોનારતમાંથી બચી શક્યા છીએ
સેવાભાવી સંસ્થાઓએ પણ ઉમદા કામગીરી નિભાવી છે. આ તબક્કે મીડિયાએ ખૂબ જ જવાબદારી ભર્યો રોલ નિભાવ્યો હતો અને લોકોને જાગૃત કરવાથી લઈને વાવાઝોડાની અસર વચ્ચે સતત ફિલ્ડમાં જઈને રિપોર્ટિંગ કર્યું છે અને ચેલેન્જિંગ કામગીરી બજાવી છે તે બદલ મીડિયા કર્મીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.