હિમાચલ પ્રદેશમાં ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

હિમાચલ પ્રદેશમાં અત્યારે ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. આચાર્ય દેવવ્રતજી ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું.

એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં ૨૮.૬ ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. ૭૫ % ખેડૂતો રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીને વધારે મહત્વ આપી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં બાગાયતી ખેતીમાં ફળ ઉત્પાદન કરતા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીથી ૨૧.૪૪ ટકા ચોખ્ખો નફો વધ્યો છે. ઉત્પાદન ખર્ચમાં પણ ૧૪.૩૪ ટકા થી લઈને ૪૫.૫૫ ટકા જેટલો ઘટાડો થયો છે. ફળોનો સ્વાદ વધુ સારો થયો છે, એટલું જ નહીં ઉત્પાદન પણ વધ્યું છે.

નીતિ આયોગે પણ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે હિમાચલ પ્રદેશના મોડેલને આધાર બનાવ્યું છે. ભારતમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પણ મોટા પાયે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે.

Related posts

Leave a Comment