હિન્દ ન્યુઝ, રાજકોટ
એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ. એ.)નાં સ્થાપક મુકેશભાઈ વાસાણીની વતન પ્રત્યેની લાગણી અને વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાના ઉમદા હેતુ સાથે રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે એજ્યુકેશન, સેલ્ફ ડિફેન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો સંસ્થા મારફત શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે. જેના અનુસંધાને ફેબ્રુઆરી 2023 થી ત્રંબા ખાતે આરોગ્ય, સેલ્ફ ડિફેન્સ અને સીવણ તાલીમના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. હાલ સીવણ તાલીમ અને સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગો પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમાપન કાર્યક્રમમાં અમેરિકા સ્થિત સંસ્થાનાં શ્રીમતિ ભાનુબેન વાસાણી, શ્રી નિર્મળ વાસાણી, શ્રીમતિ નિષ્ઠા વસાણીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે શ્રીમતિ ભાનુબેન વાસાણીએ તાલીમાર્થીઓ જીવનમાં ખૂબ આગળ વધે તે માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. મહીલાઓ આત્મનિર્ભર બની પરિવારને મદદરૂપ થાય તે માટે નિર્મલ વાસાણીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ નિડર બને અને આત્મરક્ષણ મેળવતી થાય તે માટે સુંદર વાર્તા દ્વારા સરળ ભાષામાં સમજ આપી હતી.
આ તકે ઉપસ્થિત સામાજિક અગ્રણી શ્રીમતિ શર્મિલાબેન બાંભણિયા દ્વારા શિક્ષણના માધ્યમથી બાળકની આંતરિક શક્તિ ખીલવવા અને બાળકને જીવનમાં જે બનવું હોય તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માતાઓને અનુરોધ કર્યો હતો અને પોપ્યુલર સ્કૂલ સર્વે પ્રકારે મદદરૂપ થવા હરહંમેશ તત્પર છે તેવી તૈયારી દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સરોજબેન મારડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.