માંડવી ખાતે યોજાયેલા પાંચમા આયુષ મેળાનો ૩૦૦૦થી વધુ મુલાકાતીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભુજ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા આયોજિત અને માંડવીના તાલુકા હેલ્થ ઓફિસ, આઈસીડીએસ વિભાગ, નગરપાલિકા અને સામાજિક અગ્રણીઓના સહકારથી જૈન પૂરી, માંડવી ખાતે કચ્છ જિલ્લાનો પાંચમો ભવ્ય આયુષ મેળો સફળતાપૂર્વક યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તથા માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે આ આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી, માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી હાજર રહ્યા હતાં.  માંડવી ટીડીઓ સનાભાઈ કોલચા, ટીએચઓ ડો.પાસવાન, પ્રજ્ઞાબેન સંઘવી તથા સીડીપીઓ તરૂણાબેન નાકર ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પવનકુમાર મકરાણી તથા જિલ્લા આયુર્વેદ હોસ્પિલના વૈદ્ય પંચકર્મ ડો. બર્થાબેન પટેલે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આ આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ધન્વંતરિ વંદનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય, તેમજ લોહાણા બોર્ડિંગના વિદ્યાર્થીઓએ પિરામિડ રજૂ કર્યા હતા. સ્વાગત પ્રવચન આપતાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પવનકુમાર મકરાણીએ જિલ્લા આયુર્વેદ શાખાની કામગીરી અને આયુષ મેળાના પ્રયોજન અને ઉદ્દેશ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ૧૦ કુપોષિત બાળકોને આયુષ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, વિશ્વભરમાં આયુર્વેદની નોંધ લેવાઈ રહી છે. પોતાની હળવી અને આગવી શૈલીમાં આયુર્વેદ તરફ જનતા વળે તેવું સૂચન કર્યું હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી પારૂલબેન કારાએ પોતાના આયુર્વેદના અનુભવો વાગોળ્યા હતા. વિનય ભાઈ ટોપરાણી, જયેશભાઈ ભેદા, વાડીલાલ દોશી,  હરેશભાઈ ગણાત્રા, જયેશભાઈ શાહ, નિમેષ દવે, પંકજ રાજગોર, ભરતભાઈ માકાણી, ડોક્ટર કેજી વૈષ્ણવ ગૌરી હોસ્પિટલ જેવા મહાનુભાવોનો વિશેષ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ મિત્તલ ઠક્કર તથા ડો જીજ્ઞેશ ઠક્કર  દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ ડૉ. યશશ્વીની અસારી દ્વારા કરવામાં આવી હતી.

આયુષ મેળામાં આખા દિવસ દરમ્યાન કુલ 3000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા. જેમાં ૩૬૫ની આયુર્વેદ નિદાન સારવાર તેમજ ૧૩૫ હોમીઓપેથીક નિદાન સારવાર કરવામાં આવી હતી. જેમણે વિવિધ સ્ટોલમાં આયુર્વેદની ડોક્યુમેન્ટરી, આયુર્વેદનો ઇતિહાસ, આસપાસની વનસ્પતિઓ તેમ જ રસોડાના ઔષધો, હોમિયોપેથી પદ્ધતિ, પૌષ્ટિક વાનગીઓ, સ્ત્રી રોગોની સમજ, આયુષને લગતી રમતો વગેરે નિહાળ્યા. આયુષ સેલ્ફી પોઇન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

Related posts

Leave a Comment