હિન્દ ન્યુઝ, કચ્છ
ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ કચ્છ જિલ્લાની ૬૧૪ શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-૨૦૦૯ હેઠળ ૩૮૫૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧૦ શાળાઓમાં ૧૯૬૩ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦૪ શાળાઓમાં ૧૮૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જે બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હોય તેવા બાળકોના વાલીના ખાતામાં બાળકના ગણવેશ વગેરે માટે વર્ષમાં એક વાર રૂ. ૩૦૦૦ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવે છે.