રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયો અભ્યાસલક્ષી સેમિનાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમણે આ સોનેરી તકનો લાભ લીધો હતો.

આ તકે NIOSના રિજનલ ડિરેક્ટર ડૉ.સૌમ્યા રાજને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ફરી જાગૃત કરે અને ફરી એકવાર સોનેરી તક ઝડપવાની કોશિશ કરે. આપણે તમામે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે અભ્યાસના માધ્યમથી જ આપણે દરેકે આગળ વધવાનું છે એવું જણાવી NIOS, એડમિશન અને સંસ્થાની કામગીરી વિશે માહિતી આપી હતી.

આ તકે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ પણ વડાપ્રધાન પણ ભણતર પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે ગીર સોમનાથના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ આગળ આવે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવું જણાવી ફરી અભ્યાસ કરવાની આ સોનેરી તકનો લાભ લેવાની ઉપસ્થિત તમામને ભારપૂર્વક અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં NIOS ઈડીપી સુપરવાઈઝર માનક સોબરા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર લલિતભાઈ પટેલ, NCC સીઓ અર્પણ સખિયા, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના આચાર્ય અને દાલમિયા પબ્લિક સ્કૂલના આચાર્ય તેમજ ગીર સોમનાથના NIOS એડમિશન સેન્ટરના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓની પણ હાજરી રહી હતી.

Related posts

Leave a Comment