જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીની આગેવાનીમાં પાટણના મુખ્ય માર્ગો પર યોજાઇ ફૂટ માર્ચ

હિન્દ ન્યુઝ, રાધનપુર

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ની તારીખો જાહેર થયા બાદ તુરંત જ દરેક જિલ્લામાં વિવિધ ટીમો ચૂંટણીની અલગ અલગ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. આજરોજ પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી ની અધ્યક્ષતામાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ સુરક્ષા એજન્સીઓની ટુકડીઓ જોડાઈ હતી.

પાટણ જિલ્લામાં તા.૦૫.૧૨.૨૦૨૨ ના રોજ મતદાન થવાનું છે, જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા ક્યા પ્રકારની તૈયારીઓ છે તેની એની જાત ચકાસણી કરવા માટે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પાટણ શહેરના મુખ્ય માર્ગો એવા રેલવે સ્ટેશન થી બગવાડા સર્કલ થઈ ઉભા બજારથી ત્રણ દરવાજા સુધી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ફુટમાર્ચ કરી હતી.

શાંત અને નિર્ભીક વાતાવરણ વચ્ચે ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ કર્મીઓ દ્વારા અવારનવાર ફૂટ માર્ચ (પદયાત્રા) યોજાતી હોય છે, પરંતુ આજરોજ પાટણ જિલ્લાના ચૂંટણી અધિકારી વ કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી ખુદ નાગરિકો વચ્ચે આવીને પાટણ શહેરના મુખ્ય માર્ગો પર પદયાત્રા કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો જાતે તાગ મેળવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે તેનો સંદેશો આજરોજ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ આપ્યો હતો.

જિલ્લામાં સો ટકા મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી ખુદ રૂબરૂ જઈને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે. શાંત અને નિર્ભય વાતાવરણમાં મતદાર મતદાન કરે તે માટે ખાસ પોલીસ વ્યવસ્થા ચૂંટણી સમયે જિલ્લામાં ગોઠવાઈ છે. ચૂંટણી સમયે વાતાવરણ શાંત રહે તેમજ નાગરિક પોતાની સ્વેચ્છાએ મતદાન કરે તેવું વાતાવરણ ઊભું કરવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આજરોજ પાટણમાં આયોજિત ફુટમાર્ચમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીની સાથે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ સમગ્ર પોલીસ કાફલો અને બીએસએફના જવાનો આ ફૂટ માર્ચમાં જોડાયા હતા.

આજરોજ આયોજીત ફુટમાર્ચમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા, જિલ્લા માહિતી અધિકારી કુલદીપ પરમાર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઈ.આર.કે. અમીન તેમજ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, અને બી.એસ.એફ. જવાનો જોડાયા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment