હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી સશક્તિકરણ અંગેનો વિશેષ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયો હતો. નારી શક્તિની પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે સહાયરૂપ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી સાથે માર્ગદર્શન તેમજ વિભિન્ન જનજાગૃતિ અભિયાનમાં મહિલાઓની સશક્ત ભૂમિકા અંગે માહિતીપ્રદ કાર્યક્રમ પાલીતાણાની અંકુર વિદ્યાલય તેમજ સ્વામી વિવેકાનંદ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને મહિલા સામાજીક આગેવાન શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવેના અધ્યક્ષ સ્થાને પાલીતાણાની પટેલ બોર્ડિંગ કેમ્પસ ખાતે યોજાયો હતો મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણ માટે વર્તમાન સરકાર દ્વારા વિભિન્ન કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે તેમ જણાવી ધર્મિષ્ઠાબેન દવેએ મહિલા સશક્તિકરણ માટે સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. બાળકોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરી સ્વચ્છ ભારત અભિયાનમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવી ધર્મિષ્ઠાબેને મહિલાઓને સ્વચ્છતા પ્રત્યે વધુ સજાગ રહેવા અપીલ કરી હતી. આઝાદીના સંઘર્ષમાં અને સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે તેવું કહી કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આઝાદીના સંઘર્ષ કાળમાં પોતાનું યોગદાન આપનાર મહિલા સ્વાતંત્ર સેનાનીઓ વિશે જાણકારી આપી હતી. સાથે જ વર્તમાન સમયમાં સરકારની મહિલાલક્ષી જુદી-જુદી યોજનાઓ થકી સ્વરોજગાર પ્રાપ્ત કરી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં સહયોગી બની રહેલ મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તાલુકા લાઇવલીહુડ મેનેજર મેહુલભાઈ દવે દ્વારા એન.આર.એલ.એમ. અંતર્ગત મહિલાઓને અપાતી સહાય અને મહિલાલક્ષી યોજનાની જાણકારી ઉપસ્થિત બહેનોને આપી હતી. આ સાથે જ આ યોજનાના લાભ થકી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઉભો કરી પગભર થયેલ મહિલાઓની સાફલ્યગાથાને પણ રજૂ કરી હતી. કાર્યક્રમમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની અપીલ સાથે સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ અને આયુષ્માન ભારત કાર્ડ અંગે માહિતી સાથેનો સંદેશ આપતી કાપડની થેલીનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રશ્નોત્તરી સ્પર્ધા કરી તેમાં વિજેતા થયેલ મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.