કાલાવડ માં પરવાના વગર ગેરકાયદેસર ફટાકડા વેચાણ પર પોલીસ ક્યારે કરશે લાલ આંખ ?

હિન્દ ન્યુઝ, કાલાવડ

           જામનગર જિલ્લાના કાલાવડમાં ગત વર્ષની જેમાં દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે કાલાવડ ખાતે સરકારી પરવાના વગર બિલાડીની ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળતા હોય છે. જાહેર સ્થળોમાં પોલીસ અને તંત્રનો ડર રાખ્યા વગર બેફામ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. કોઈપણ પ્રકારના પરવાના વગર અને અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જાહેર સ્થળોએ ટાકડાનો વેચાણ કરતા આ વેપારીઓની હાટડીઓમાં દિવાળી પહેલા હજારો લોકો ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે. આ વેપારીઓને ત્યાં ગ્રાહકો ખરીદી કરતી વેળાએ જો કોઈ કારણોસર આગ લાગવા પામે અને ફાયર ઈક્યુમેંટ્સ (અગ્નિ શામક યંત્ર) રાખ્યા વગર ફટાકડાઓ વેચાતી વેળાએ આગ લાગવા પામે અને આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામે તો જાનહાની ની જવાબદારી કોના શિરે ?

         કાલાવડમાં ગત વર્ષે અસંખ્ય વેપારીઓ દ્વારા નગરનાં જાહેર સ્થળોએ ઠેર ઠેર ફટાકડાઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જો કે આ ફટાકડા નું વેચાણ કરતા વેપારીઓમાં અડધા ભાગના વેપારીઓએ કોઈ પણ પ્રકારના પરવાનાઓ લેવામાં આવ્યા ન હતા. જાગૃતતા ના ભાગરૂપે ‘હિન્દ ન્યુઝ’ દ્વારા ગત વર્ષે આ અંગે ગેરકાયદેસર પરવાના વગર ફટાકડા વેચાણના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ અહેવાલ બાદ પોલીસ અને કાલાવડ ટાઉન પોલીસ અને મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી ઘણા વેપારીઓને પરવાના અને ફાયર સેફટી ઈક્યુમેંટ્સ (અગ્નિ શામક યંત્ર) વગર ફટાકડા વેચતા વેપારીઓની ગેરકાયદેસર હાટડીઓ બંધ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ અમુક વેપારીઓ એ તંત્રનો ડર રાખી પોતાની ગેરકાયદેસર દુકાનો બંધ કરી હતી અને અમુક કાલાવડ ના લેભાગુ વેપારીઓ દ્વારા રાજકીય વગ વાપરી પોતાની દુકાનો ચાલુ રાખી પોતાના રાજકીય વગનું જાહેર માં પ્રદર્શન પણ કર્યું હતું. તંત્ર અને પોલીસ ભલે ગમે તેટલું કડક વલણ બતાવે પરંતુ રાજકીય વગ રાખી પોલીસ અને તંત્રની પણ અવગણના કરી આવા વેપારીઓ લાખો રૂપિયા કમાવવા માટે ફાયર ઈક્યુમેંટ્સ (અગ્નિ શામક યંત્ર) વગર લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે.

        કાલાવડ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદારશ્રી કાલાવડમાં આવા લેભાગુ ફટાકડા વેપારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરે એવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.

 

 

Related posts

Leave a Comment