બાળકનાં સર્વાંગી વિકાસ માટે બાલ્યાવસ્થામાં પોષણક્ષમ આહાર અતિ મહત્વપૂર્ણ

સહી પોષણ દેશ રોશન

હિન્દ ન્યુઝ, બોટાદ

પોષણક્ષમ આહાર એ વ્યક્તિનાં વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા જીવનનાં કોઇપણ તબ્બકે જરૂરી હોય છે. વિશેષમાં જ્યારે બાલ્યાવસ્થામાં પોષણક્ષમ આહારનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનાં સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ આવતી નથી. એટલે જ દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું મજબૂત અને અડિખમ ભવિષ્ય બને તે માટે આ વર્ષે પણ ‘પોષણ માસ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ બાળ વિકાસ માટે પોષણ એ એક મહત્વપૂર્ણ પૂર્વશરત છે. બાળકનાં જન્મ પછીનો શરૂઆતનાં એક વર્ષથી પાંચ વર્ષનો સમયગાળો તેનાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

બાળકની લંબાઈ પહેલા પાંચ વર્ષમાં જન્મ સમયેની લંબાઈથી આશરે બે ગણી વધે છે. એક વર્ષના બાળકનું વજન જન્મ સમયનાં વજનથી ત્રણગણું વધે છે. જે પાંચ વર્ષે આશરે પાંચગણું થાય છે. નવજાતનો મગજનો વિકાસ પહેલા પાંચ વર્ષમાં અને ખાસ કરીને પ્રથમ છ માસમાં ખૂબ ઝડપથી થાય છે તેમજ બ્રેઈન વેઈટ પણ ઝડપથી વધે છે. આથી જ જન્મેલું બાળક તરત જ હેડબેલેન્સ જાળવી શકતું નથી. બાળકને ઊંચકતી વખતે માથાને હાથથી ટેકો આપવો જરૂરી હોય છે. શરીરની સરખામણીમાં મગજનું વજન-વિકાસ ખૂબ ઝડપી હોય છે. શરૂઆતના પાંચ વર્ષના સમયગાળામાં બાળક પોતાની ભૂખ-તરસ જેવા સંવેદનો, બહારના વાતાવરણને, અન્ય વ્યક્તિઓ દ્વારા મળતાં ભાવ-પ્રતિભાવ વગેરેને સંવેદી અને ક્રિયા-પ્રતિક્રિયા આપવા લાગે છે. ભાષા-સંવાદની સમજ, જણાવવાનો પ્રયત્ન વગેરેની શરૂઆત ખૂબ જ પ્રારંભિક અવસ્થામાં શીખવાની આતુરતા-ક્ષમતા નવજાતનાં પ્રારંભનાં મહિનાઓથી શરૂ કરી પાંચ વર્ષ સુધી મહત્તમ હોય છે. મા-બાપ સાથે બેસીને જમતું બાળક ખૂબ ઝડપથી સામાન્ય ખોરાકમાં રસ-રૂચિ લેવા લાગે છે.

બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું?

નવજાત બાળકોને જન્મનાં છ માસ સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઇએ. છ માસ બાદ ધીરે-ધીરે હળવો અને પોચો ખોરાક આપવો હિતાવહ છે. સિઝનલ બિમારીઓ, ઇન્ફેકશન વગેરેથી બાળકો જલ્દી બીમાર થતાં હોય છે. જેથી ઘરની સફાઈ, બાળકોની ચીજવસ્તુઓની સફાઈ, બાળકનાં હાથ-નખની સફાઈની ચીવટ જરૂરી છે. સાથોસાથ વાવડિંગ, સૂંઠ, હરડે, વરીયાળી, કાંકચા જેવાં સાદા ઔષધોથી નાની-મોટી બીમારીઓના ઉપચાર થઇ શકે છે. મગફળી, સોયાબીન જેવાં ભરપૂર પોષણયુક્ત પદાર્થો નિયમિત ધોરણે બાળકોને મળી રહે તે જરૂરી છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પોષણક્ષમ આહાર જેમકે, લીલાં શાકભાજી, ફળ, કઠોળ, દૂધ-દહીં, બાફેલી દાળ સહિતની વસ્તુઓ આપવી જોઇએ.

મહત્વનું છે કે, બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની જવાબદારી માતા-પિતાની હોય છે અને માતા જયારે માતૃત્વ ધારણ કરે ત્યારે પોતે પણ પોષણ યુક્ત ખોરાક લે તો એ આહારનો અને અન્નનો અંશ તેના બાળકમાં જશે, પરિણામ સ્વરૂપે સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે અને સ્વસ્થ બાળક અને નાગરિક દેશની પ્રગતિમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરે છે. પોષણયુક્ત ગુજરાતની દિશામાં નક્કર પગલાંઓની સાથોસાથ માતા અને બાળક બન્નેને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ પણ અમલી છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment