હિન્દ ન્યુઝ, ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજના સ્નેહમિલનમાં જણાવ્યું કે છેવાડાનો માનવી પણ વિકાસની મુખ્ય ધારામાં આવે તેવી પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વની કેન્દ્ર સરકારે દરેક કલ્યાણ યોજનાઓ ઘડી છે. વડાપ્રધાનએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને ટીમ ગુજરાત તરીકે અમે આગળ ધપાવી રહ્યા છીએ અને નાનામાં નાના માનવીને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા સંકલ્પ સાથે અમે કાર્યરત છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનએ વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો છે તેના પરિણામે સૌ સમાજ-વર્ગો હવે કોઈ પ્રલોભનો કે લોભ લાલચમાં ખેંચાવાને બદલે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રે વિકાસ માટે પ્રતિબદ્ધ થયા છે. ધરાતલ સાથે જોડાયેલો આ રાવળયોગી સમાજ પોતાના પરંપરાગત વ્યવસાયો સાથે હવે તેમના સંતાનોની શિક્ષણ દ્વારા વિકાસના રાહે કારકિર્દી ઘડે તેવી અપીલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પણ વિવિધ યોજનાઓથી જરૂરતમંદોની પડખે ઊભી રહેવા તત્પર છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ સમાજનાં સંતાનોને શિક્ષણ મેળવવામાં જે સુવિધાઓની જરૂરિયાત હશે, તે આપવા પણ રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે અને સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે પણ અમે યોગ્ય વિચારણા કરીશું તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપન આખા દેશમાં નંબર વન છે એટલું જ નહીં, કોઈ પણ યોજનાઓમાં, ગરીબ-વંચિત, નાનામાં નાના માણસની કલ્યાણ યોજનામાં પૈસાની કોઈ તકલીફ ન પડે તેવું સુદ્રઢ આયોજન આપણે કર્યું છે અને આ વર્ષે ૨ લાખ ૪૫ હજાર કરોડ જેટલું માતબર બજેટ ગુજરાતના વિકાસ માટે ફાળવ્યું છે.
મુખ્યમંત્રીએ રાવળયોગી સમાજના સૌ અગ્રણીઓને અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આ સમાજના લોકોને એમ પણ કહ્યું કે આ સરકારે આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષ કરવી, જ્યાં કાયદાકીય રીતે આવશ્યક ન હોય ત્યાં એફિડેવિટની પ્રથા દૂર કરવી, વગેરે સહિતના સામાન્ય માનવીને વધુ સરળતા આપતા નિર્ણયો કર્યાં છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાજના સૌ વર્ગોને સાથે લઈને ચાલવાની નેમ સાથે મૃદુ અને મક્કમ નિર્ણયકર્તા મુખ્યમંત્રી તરીકે લોકોમાં આગવી ચાહના પામ્યા છે. રાવળયોગી સમાજ પોતાના પેઢી દર પેઢીથી ચાલી આવતા વ્યવસાયો સાથે હવે વિકાસમાર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ બન્યો છે, તે આટલી વિશાળ સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિથી દેખાઈ રહ્યું છે. તેમણે આ માટે સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી ભગવાનદાસ પંચાલ, બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ, વિચરતી અને વિમુક્ત જાતિ-રાષ્ટ્રીય આયોગના પૂર્વ સદસ્ય રાજેન્દ્રભાઈ રાવળ, રાવળયોગી યુવા સંગઠનના ભરતભાઈ રાવળ, તેમ જ બક્ષીપંચ મોરચાના યુવા અગ્રણી મયંક નાયક, વગેરેએ સમાજ વતી મુખ્યમંત્રીનું અભિવાદન કરીને સમગ્ર રાવળયોગી સમાજ આવનારા દિવસોમાં પણ મુખ્યમંત્રી અને પક્ષની પડખે રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.