ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં પ્રભાસપાટણ કન્યાશાળા અને મૂળ દ્વારકાની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વાહનવ્યવહા, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ગામની કન્યાશાળા અને કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં મંત્રીએ હેતપૂર્વક બાળકોની આંગળી ઝાલી શાળામાં પા..પા..પગલી કરાવી હતી. પ્રવેશોત્સવમાં મંત્રીના હસ્તે બાળકોને પાઠ્યપુસ્તક અને કીટ પણ આપવામાં આવ્યાં હતાં. આમ બાળકો માટે પ્રવેશોત્સવ યાદગાર બન્યો હતો.

મા સરસ્વતીની ‘યા કૂન્દેન્દુ તુષારહારધવલા’ની પ્રાર્થના સાથે શરુ થયેલા આ પ્રવેશોત્સવમાં પ્રભાસપાટણની કન્યાશાળામાં કુલ ૫૭ બાળકોને પ્રવેશ અપાયો હતો. જ્યારે આંગણવાડીમાં કુલ ૧૬ છોકરા અને ૧૨ છોકરીઓ એમ કુલ ૨૮ બાળકોને પ્રવેશ અપાયો હતો. આ તકે મંત્રીએ ટ્રાન્સપોર્ટેશન વાહનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ૧૦૦% હાજરી આપનાર વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપી બીરદાવવામાં આવ્યા હતાં. જ્યારે મૂળ દ્વારકાની પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧૦૩ અને આંગણવાડીમાં ૨૭ બાળકોએ ઉમંગપૂર્વક પ્રવેશ કર્યો હતો. પ્રવેશોત્સવમાં બાળકોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતાં ઉપરાંત અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમજ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય દાખવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને મંત્રીએ મિડ-ડે-મિલના રસોઈઘરનું લોકાર્પણ કર્યું હતું.

રથના બે પૈડા સમાન હોય તો જ તે સારી રીતે ચાલે એવું ઉદાહરણ ટાંકતા મંત્રીએ કહ્યું હતું કે, દીકરો અને દીકરી બન્ને એકસમાન છે. શાળાનો પ્રવેશોત્સવ એ એકમાત્ર કાર્યક્રમ નથી પરંતુ હેતુપૂર્વક બાળકોમાં શાળાનો ભય દૂર થાય અને ઉલ્લાસપૂર્વક શાળાએ આવતું થાય તે માટેનો કાર્યક્રમ છે. આજના બાળકને આવતા વર્ષોમાં કેવું ભવિષ્ય આપી શકાય તે અંગે વિચારીને સરકાર કામ કરી રહી છે. સરકાર વિવિધ યોજનાઓથી ગરીબ અને છેવાડાના માનવી વિશે ચિંતા કરી રહી છે તો શિક્ષણક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન લાવીને શિક્ષણની પણ ભારોભાર ચિંતા કરી રહી છે. ખરાઅર્થમાં ગરીબી દૂર કરવી હોય તો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે. આમ કહી તેમણે ભારપૂર્વક બાળકોને ભણાવવા માટે વાલીઓને વિનંતી કરી હતી.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ કહ્યું હતું કે, વેકેશન ખૂલે અને બાળક ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ કરે તે માટે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. નાનામાં નાના ગામડાઓમાં પણ શિક્ષણનું સ્તર કઈ રીતે ઉંચુ લાવી શકાય તે માટે વિચારીને જ ઠેર-ઠેર પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણ એ પાયો કહેવાય છે. જો પાયો મજબૂત હશે તો ઈમારત પણ મજબૂત જ બનશે અને આ બાળકો જ આવનાર ભારતનું મજબૂત ભવિષ્ય છે.

ઉમંગપૂર્વક યોજાયેલા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા શિક્ષણ અધિકારી વાજા, કોડીનાર મામલતદાર વી.એમ.ધાનાણી તેમજ અગ્રણીઓ બચુભાઈ વાજા, વિક્રમભાઈ પટાટ, આચાર્ય રમેશભાઈ પંપાણીયા, કોડીનાર નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ ડોડિયા, તાલુકા પંચાયત ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા સહિત વાલીઓ અને ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Related posts

Leave a Comment