હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ સખી મંડળની બહેનો અને કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ-સહ-પ્રદર્શન માટે જવાહર મેદાન ખાતે આગામી તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે દરમ્યાન સખી મેળાનું તેમજ ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે આ મેળાની શરૂઆત કરાવશે. આ અવસરે શહેરના ગણમાન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
૭ દિવસ ચાલનાર આ મેળામાં ભાવનગર તેમજ અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી (પાપડ, અથાણાં, નમકીન), શુદ્ધ મરી મસાલાં વિગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે.
આ મેળા સહ પ્રદર્શનમાં રોજબરોજના ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૨૦ વર્ષમાં હાથ ધરેલી વિવિધ યોજનાઓ અને તેનાથી રાજ્યના નાગરિકોને થયેલ લાભ અંગેનું પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે.
શહેરીના સુજ્ઞજનો અને શહેરીજનોએ એક વાર આ મેળાની મુલાકાત લઇને તેમજ કંઈકને કંઇક ચીજવસ્તુઓ ખરીદી ગ્રામ્ય મહિલાઓની મહિલાઓ દ્વારા ઉત્પાદિત અને શુધ્ધ એવી વસ્તુઓ ખરીદી તેમના ઉત્સાહવર્ધન સાથે તેમને આત્મનિર્ભર થવાં પ્રેરિત કરવાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી