૧૨ વર્ષ સબળ નેતૃત્વના, અવિરત વિકાસના
હિન્દ ન્યુઝ, પોરબંદર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ હેઠળ સફળ ૧૨ વર્ષ દરમ્યાન દેશના ખૂણે-ખૂણે અવિરત વિકાસની ગતિ જોવા મળી રહી છે. આ વિકાસ યાત્રાના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પોરબંદરના રંઘાવાવ પાસે નિર્મિત થયેલ “સરદાર પટેલ રમત સંકુલ” (સ્પોર્ટ્સ સંકુલ) છે. આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ સ્થાનિક ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી યુવાનોને પોતાના ઘર આંગણે જ ઉચ્ચ સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે.
પોરબંદરની પેરા-એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી ઉભરતી પ્રતિભાઓ આજે આ સંકુલમાં સવાર-સાંજ નિયમિત પ્રેક્ટિસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહી છે. પ્રિયાબેને ૨૦૨૩થી અહીં તાલીમ મેળવીને પહેલા નડિયાદ ખાતે સિલ્વર મેડલ, ત્યારબાદ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ જુનિયર-સબ જુનિયર નેશનલ્સમાં ગોલ્ડ મેડલ અને તાજેતરમાં જ દુબઈ ખાતે યોજાયેલી ‘યુથ એશિયન પેરા ગેમ્સ’ની લોન્ગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સ્પોર્ટ્સ સંકુલની વિશેષતાઓ અને પોતાના અનુભવ અંગે વાત કરતા પ્રિયાબેન જણાવે છે કે, આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ તેમના ગામની બિલકુલ નજીક આવેલું હોવાથી તેમને ઘર આંગણે જ ઉત્તમ સુવિધાઓ મળી રહી છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, નજીકના અંતરને કારણે તેમનો આવવા-જવાનો સમય બચે છે અને સવાર-સાંજ નિયમિત રીતે તાલીમ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે. સ્થાનિક સ્તરે જ આવી શ્રેષ્ઠ રમત ગમતની સગવડો ઉપલબ્ધ થવાને લીધે તેમને પ્રેક્ટિસ માટે ક્યાંય બહાર જવું પડતું નથી અને તેઓ પોતાની રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શક્યા છે.
રમતગમતના આ ભવ્ય વિકાસ અને ખેલાડીઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રમતગમત પ્રત્યેની નીતિઓ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓને જાય છે.
