ગઢડા ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને આરોગ્ય મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્યમાં ઠેર ઠેર આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો ગઢડા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ૧૮ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ છેવાડાના માનવીઓને આરોગ્યની સેવા મળી રહે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા યોજનાઓની જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિના મૂલ્યે આરોગ્યની સેવાઓનો લાભ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. લોકોના સ્વાસ્થ્યની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે નાના – મોટા ખર્ચાળ ઓપરેશનો વિનામૂલ્યે થાય તે માટે આરોગ્યલક્ષી યોજનાઓ મુકી છે. જેમાં PM-JAY યોજના થકી વિનામૂલ્યે દર્દીઓ સારવાર મેળવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્ય વિશે જાણકારી મળી રહે સમયસર તેની સારવાર થઈ શકે તે માટે પણ અનેક જન જાગૃતિ કાર્યક્રમો સરકાર દ્વારા યોજવામાં આવે છે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત તમામ લોકોને આ મેળાનો વધુમાં વધુ લાભ લેવા પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આરોગ્યને ખૂબ મહત્વ આપી ઠેર ઠેર મોટી હોસ્પિટલો, સ્ટાફ, અદ્યતન સાધન સામગ્રીઓથી સુવિધા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આજ રોજ તાલુકા મથકે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ પણ નિરામય ગુજરાત કરીને આરોગ્ય લક્ષી કાર્યક્ર્મ કરવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આરોગ્યની સુવિધા ખૂબ જ મળી રહે અને લોકોનું આરોગ્ય સુખમય રહે અને આર્થિક રીતે પણ સમૃધ્ધ બને તે માટે તથા આરોગ્યલક્ષી યોજનાઓથી માહિતગાર બને તે માટે જન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે અને આ તમામ કાર્યક્રમનો લાભ લેવા તમામને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમની સ્વાગતવિધિ બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રંગુનવાલાએ કરી હતી.

આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલજીભાઈ, ગ્રામપંચાયત – તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી – કર્મચારીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારી તેમજ મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ 

Related posts

Leave a Comment