લિંબાયત ખાતે જિલ્લા રોજગાર કચેરી-સુરત દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત 

યુવાનોને તેમના કૌશલ્ય મુજબ મનપસંદ રોજગારી પ્રાપ્ત થાય તેમજ ઔદ્યોગિક એકમોને સરળતાથી માનવબળ ઉપલબ્ધ થઈ શકે તે માટે લિંબાયત સ્થિત સુભાષનગરના SMC કોમ્યુનિટી હોલ ખાતે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી-એસ.ટી, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘રોજગાર ભરતી મેળો’ યોજાયો હતો. જેમાં રોજગાર મેળામાં નોંધાયેલા ૧૦૩૬ રોજગારવાંચ્છુંઓમાંથી ૫૬૧ ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરીને કોલ લેટર આપવામાં આવ્યાં હતાં.

આ ભરતી મેળામાં ૨૦ જેટલી કંપનીઓમાં ૧૧૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, યુવા દેશ ભારતમાં ૩૫ વર્ષ કરતા ઓછી ઉંમરના યુવાનોની સંખ્યા ૬૫ % જેટલી છે, ત્યારે યુવાનોને પોતાના કૌશલ્ય મુજબ રોજગારી મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય છે. સુરત શહેર- જિલ્લાના યુવાનો રોજગારી મેળવી પગભર બને એ માટે રોજગાર કચેરી અવારનવાર શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાએ ભરતી મેળા યોજે છે. રાજ્ય-કેન્દ્ર સરકારની એપ્રેન્ટીસ, સ્કીલ ડેવલપમેન્ટ યોજના હેઠળ ૪ હજાર જેટલા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેનો લાભ લઈ રોજગારવાંચ્છુંઓ પોતાની આવડત અને કૌશલ્ય અનુસાર મનપસંદ નોકરી મેળવી શકે છે એમ જણાવી સુરત રોજગાર કચેરીને આ પ્રકારના ભરતી મેળા યોજી વધુને વધુ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા બદલા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડે. મેયર દિનેશભાઈ જોધાણી, અગ્રણીશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, SMCના શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, નાયબ નિયામક (રોજગાર) મુકેશભાઈ વસાવા, રોજગાર અધિકારી સર્વ પારૂલબેન પટેલ, બિપીન માંગુકિયા, VNSGUના પ્લેસમેન્ટ ઓફિસર દર્શનભાઈ પુરોહિત, નેશનલ કરિયર સર્વિસ સેન્ટર SC/ST તરફથી ડો.અમનદીપ સિંઘ, કોર્પોરેટરઓ, કંપનીના પ્રતિનિધિઓ અને વાલીઓ તથા રોજગાર ઈચ્છુક યુવા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment