કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત

 હિન્દ ન્યુઝ, માંડવી

                   કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત માંડવીના નગરજનોને રૂ.૩.૩૫ કરોડના ખર્ચે મળનારી માળખાગત સુવિધાઓ કૃષિ ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે માંડવી ખાતે માંડવી નગરપાલિકાના ૨૦ જેટલા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ ૩.૩૫ કરોડના ખર્ચે થનારા આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે. આ સુવિધાઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫માં નાણાંપંચ વિવેકાધીન જોગવાઈ, મનોરંજન કર તથા વ્યવસાય વેરા અને રાષ્ટ્રીય પર્વ ઉજવણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, જનસેવાને વરેલી રાજ્ય સરકાર પ્રજાજનોને માળખાગત સુવિધાઓ આપવાની નેમ સાથે કામ કરી રહી છે. દરેક ક્ષેત્રના સમતુલિત વિકાસ સાથે જનહિત યોજનાઓનો અમલ સુપેરે કરવામાં આવી રહ્યો છે.

છેવાડાના માનવીને વિકાસના સુફળ પોહોચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ ભારપૂર્વક જણાવતા મંત્રીએ માંડવીની રેફરલ હોસ્પિટલના કોવિડ-૧૯ ના RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવા રૂ.૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કરાયા છે. ‘સૌના સાથ અને સૌના સહકાર’થી માંડવી નગર સહિત તાલુકાને જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ કરાવી વિકાસની અગ્રિમ હરોળમાં લાવીશું તેઓ વિશ્વાસ પણ આ પ્રસંગે મંત્રીએ વ્યક્ત કર્યો હતો. રૂ.૩.૩૫ કરોડના ખર્ચે સાકાર થનાર પ્રજાહિતના કાર્યોમાં આર.સી.સી. રોડ, પેવર બ્લોક, બિટ્યુમીનસ રોડ, સ્ટોર્મ વોટર લાઈન, કલ્વર્ટ, સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર પર વોટરપ્રુફ શેડ, ડિવાઈડરનો સમાવેશ થાય છે. વધુમાં મંત્રીએ બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા કોઝવેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કોઝવેના નિર્માણ થકી સ્થાનિક પ્રજાજનોને યાતાયાતમાં આગવી સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ’ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં માંડવી નગરપાલિકાની કામગીરી શ્રેષ્ઠત્તમ છે. હવે સરકારી સુવિધાઓ, દસ્તાવેજો જેવા કામો ઓનલાઈન થઈ જતાં સરકાર દ્વારા ખેડૂતોને મોબાઈલની ખરીદી માટે રૂ.૧૫ હજારની સહાય આપવામાં આવશે. જેથી ડિઝીટલ માધ્યમથી ખેડૂતો ખેતીને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રેખાબેન.પી.વશી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ રબારી, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય કુ્ંવરભાઈ હળપતિ, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી શાલિન શુકલ, નગરપાલિકાના ચિફ ઓફિસર પ્રણવભાઈ ચૌધરી, બાંધકામ સમિતિ અધ્યક્ષ આનંદભાઈ શાહ, અગ્રણી સર્વ નટુભાઈ રબારી, રોહિત પટેલ, ધર્મેન્દ્રસિંહ મહીડા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment