મહીસાગર વહીવટી તંત્ર દ્રારા સંજીવની એક્સપ્રેસ બાઇકનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર

કોરોના અંગેની આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી કોવિડ-૧૯ દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે સંજીવની એક્સપ્રેસ બાઇકને પ્રભારી મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-૧૯ ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં પાંચ સંજીવની એક્સપ્રેસ બાઇક અંતરીયાળ વિસ્તારોમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કોવિડ પેશન્ટની હોમ વિઝીટ, થર્મલ ગનથી ચકાસણી, એસ.પી.ઓ.ટુ ચકાસણી, સર્વેલન્સ, કોન્ટેક ટ્રીટમેન્ટ તેમજ વધુ જરૂર જણાયેથી દર્દીને હોસ્પીટલમાં રીફર કરશે. આ બેઠકમાં પ્રભારી મંત્રી એ મહીસાગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, આર.ટી.પ.આર. ટેસ્ટ, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે.

કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. જો કે મહીસાગર જિલ્‍લામાં ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો જેઓએ રસીનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપીને ૧૦૫ ટકા સિધ્‍ધિ હાંસલ કરીને મહીસાગર જિલ્‍લાને ગૌરવ બક્ષવામાં સમગ્ર જિલ્‍લાનું વહીવટી-આરોગ્‍ય તંત્ર, આરોગ્‍ય કર્મીઓ સહિત જિલ્‍લાના નાગરિકો, રાજકીય-સામાજિક અને વિવિધ સંસ્‍થાઓના પદાધિકારીઓ-અગ્રણીઓ પણ આ કાર્યમાં સહભાગી થયા તમામને રસીકરણ કાર્યમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ ઉપરાંત ૧૫ થી ૧૮ વર્ષના કિશોર વય જુથમાં પણ રસીકરણ અભિયાન પણ વેગવંતુ છે ત્યારે ઝડપથી લક્ષાંક પુર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રભારી મંત્રીએ જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. બેઠક બાદ પ્રભારી મંત્રીએ જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ એમિક્રોન વોર્ડ, ઓક્સીજન પ્લાન્ટ, આર.ટી.પી.સી.આર લેબની પ્રત્યક્ષ મુલાકાત લઇ સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્રની સજ્જતા અંગે સંતોષ વ્યકત કરી સર્વગ્રાહી સમીક્ષા સાથે જરુરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારેએ મહીસાગર જિલ્લામાં કોરોના સમય દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. તેમણે વધુમાં સંભવીત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા થયેલ કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહ, અગ્રણી દશરથભાઇ બારીયા, જેઠાભાઇ વણકર, રાવજીભાઇ પટેલ, પ્રદિપસિંહ રાઠોડ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ/પદાધિકારીઓ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment