સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સભાને સંબોધન કરી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ

હિન્દ ન્યુઝ,

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂત સભાને સંબોધતાં કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન માટે અમૃત સમાન છે. તે જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે. તેમણે જણાવ્યું કે, પરમાત્મા આપણને જન્મ આપનાર જન્મદાતા છે, પરંતુ વાસ્તવમાં અન્ન પૂરું પાડીને આપણું જીવન ટકાવી રાખનાર સાચો અન્નદાતા ખેડૂત છે. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શું છે ? તે કેવી રીતે કરી શકાય ? તેનાથી શું ફાયદો થાય છે ? ભૂતકાળમાં તેમણે પોતે પ્રાકૃતિક ખેતી માટે કરેલાં પ્રયોગો અને આવેલાં પરિણામો વગેરે બાબતે વિશદ માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના બાવડામાં બળ છે. તેઓ તેમનાં મહેનતના બળે સૃષ્ટિનું પાલન પોષણ કરે છે ત્યારે તેઓ જે વ્યવસાય પર નભે છે તે ખેતીને પણ ફળદ્રુપ બનાવી ખેડૂતો સમૃદ્ધ બને તે જરૂરી છે. ભૂતકાળમાં ડી.એ.પી. યુરિયા જેવાં રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે જમીનમાં ખૂબ ઝેર ફેલાયું છે.આ દવા છાંટેલુ અનાજ અને ખાદ્ય પાકો આરોગવાથી આજે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીના રોગો વગેરે જેવાં રોગોનું પ્રમાણ વધ્યું છે. આજે હવે આપણને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોની સમજ પડવા લાગતાં સમાજ પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો તરફ વળ્યો છે, ત્યારે આપણી પણ નૈતિક જવાબદારી અને ફરજ છે કે આપણે પણ પ્રાકૃતિક રીતે ઉગાડેલાં અનાજ અને ખાદ્ય પદાર્થોને સમાજને પૂરાં પાડીએ અને સમાજને તંદુરસ્ત બનાવીએ. હું પોતે પણ એક ખેડૂત છું.ગાયને પાળું છું. દેશની જમીન આ ઝેરી પદાર્થોથી મુક્ત થાય તે માટે પ્રાકૃતિક ખેતીના મિશન સાથે કાર્ય કરી રહ્યો છું, ત્યારે તમે પણ આવનારી પેઢીને ઉત્તમ જમીન આપવા માટે આ મિશનમાં જોડાવો તેવું આહવાન તેમણે કર્યું હતું.

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીનો નાનાપાયે પોતાના ખેતરમાં પ્રયોગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઝેરયુક્ત પદાર્થો દૂર થવા સાથે પાણીની ગ્રહણશક્તિ વધશે તેથી જમીનના તળ પણ ઊંચાં આવશે. જીવામૃતના પ્રયોગથી ખેતરમાં અળસિયાં તથા અન્ય સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા જમીનમાં અનેકગણી વધે છે. જે જમીનની ફળદ્રુપતા વધારશે.તેનાથી ખેતીનો ખર્ચ ઘટશે. ઉત્પાદન વધશે અને પાણીની જરૂરિયાત પણ ઘટશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ધરતીની ગુણવત્તા વધશે. નિંદામણમાં ઘટાડો થશે અને છેવટે દિવસે- દિવસે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. રાજ્યપાલએ જણાવ્યું કે, આપણે ધાર્મિક અને ધર્મપરાયણ માણસો છીએ. બીજાને આ ઝેરી તત્વોવાળો ખાદ્ય- ખોરાક આપવો તે આપણાં માટે અધર્મ સમાન છે. આપણે સાચા કર્મયોગીઓ છીએ, પરિશ્રમી છીએ, ત્યારે આપણે સમાજના પાલનપોષણ માટે શુદ્ધ અને સાત્વિક ખોરાક સમાજને ઉપલબ્ધ બનાવીએ તે આપણું ઉત્તરદાયિત્વ છે.

રાજ્યપાલએ આ અવસરે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું. આ ખેડૂત સભામાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા કલેકટર યોગેશ નીરગૂડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, એ.એસ.પી. સફિન હસન, પ્રાંત અધિકારી વિકાસકુમાર રાતડા, પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ગુજરાત પ્રદેશના સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા સહિતના મહાનુભાવો તથા જિલ્લાના કૃષિકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment