હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. ૭ મી જાન્યુઆરીના રોજ ભુંભલી ગામે ભુંભલી કુમાર શાળા ખાતે સવારના ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ભુંભલી, માલણકા, ભૂતેશ્વર, નવા રતનપર, જુના રતનપર, સુરકા, રામપર વગેરે ગામોના લોકો આવક, જાતિ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, રેશન કાર્ડમાં સુધારા કરવા, આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામ નોધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો, યોજનાકીય લાભો, સિનિયર સિટિઝનના પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્રો, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ, વિધવા વૃદ્ધ સહાય યોજના, કોવિડ- ૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની યોજનાના લાભો વગેરેને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકાશે.
આ સેવા સેતુનો લાભ જે લોકો લેવાં માંગતા હોય કે યોજનાકીય લાભ લેવાં ઇચ્છતા હોય તેઓએ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ ભુંભલી ગામે કુમાર શાળા ખાતે આ કાર્યક્રમમાં રજૂ કરવાની રહેશે. આવી અરજીઓને લગત વિભાગોના સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવશે તેમ મામલતદાર, ભાવનગર ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી