હિન્દ ન્યુઝ, સાયલા
સાયલા – ચોટીલા હાઈવે પર સુરેન્દ્રનગર GST વિભાગ દ્વારા બે દિવસ પહેલા કરાયેલા વાહન ચેકીંગ દરમિયાન ૧૨ ટ્રકને એક સ્થળે રોકાવી દેવામાં આવી હતી. લાઇટ, પાણીની વ્યવસ્થા વગરની બંધ હોટલના સ્થળે તમામ ટ્રકોને રખાવી દેવાતા ચાલકો, કલીનરોને, ખોરાક માટે ટળવળવું પડી રહ્યું છે. તંત્રના અણઘડ વહીવટને લીધે અવાવરુ જગ્યા ચોરીના ડર સાથે કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા તમામની હાલત કફોડી બનવા પામી છે. સાયલા ચોટીલા હાઇ-વે પર આવેલ જિલ્લા જીએસટી કચેરીની ટીમ દ્વારા બે દિવસ અગાઉ મોરબી સિરામીક ઉદ્યોગની ટાઇલ્સો તેમજ અન્ય સામાન ભરેલા ટ્રકોનું ચેકીંગ કરતા ૧૨ વાહનોમાં જરુરી આધાર, પુરાવા ના અભાવે રોકી રાખવામાં આવ્યા હતા. હાઇવે પર આવેલ એક અવાવરુ હોટલ પર તમામ ગાડીઓ અટકાવી દેવાઈ છે સ્થળ પર હાજર કચેરીના કર્મચારી સાથે વાત કરતા તેમણે પોતાના અધિકારીનો મોબાઈલ નંબર આપવાની ના પાડી હતી તેમજ તેના ફોનમાંથી તેની કચેરીના વડા સાથે વાત કરાવતા સામા છેડેથી બોલતા અધિકારી દ્વારા કોઇપણ માહિતી આપવાનો ઇન્કાર કરી દેવાતા જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર, સાયલા