વર્ચૂઅલ રીતે વિડીયો કોન્ફરન્સીંગથી ગાંધીનગરથી ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ના ઓનલાઇન પેમેન્ટ લોન્ચીંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ચૂઅલ રીતે વિડીયો કોન્ફરન્સીંગથી ગાંધીનગરથી મુખ્યમંત્રી ‘બાળ સેવા યોજના’નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કોરોનાની મહામારીમાં માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલાં બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા દર્શાવી કહ્યું કે, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’નો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરાવી રાજ્ય સરકારની સંવેદનશીલતાના દર્શન કરાવ્યાં છે.
 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે ર૯મી મે એ જાહેર થયેલી ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ દ્વારા આજે ડી.બી.ટી.થી આજે નાણાં પણ જમા કરાવી દીધાં છે.
 કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલાં, છત્રછાયાં ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક દર મહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીએ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યાં હતા.
મુખ્યમંત્રી પાલક માતાપિતાને હાર્દભરી અપીલ કરતાં જણાવ્યું કે, ઇશ્વરે તમને આ બાળકોની જવાબદારી સોંપી છે ત્યારે તેનું યોગ્ય લાલનપોષણ થાય, તેમને યોગ્ય શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરજો. આવા બાળકોની જવાબદારી સમાજ અને સરકારે સાથે ઉપાડી ભારતના ભાવી એવાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે.
 તદઅનુસાર, અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી.
 તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ આ અવસરે અર્પણ કરી હતી.
 રાજ્યના ૩૩ જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયાં હતાં.
 મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને રૂા.૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.
 જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવાં બાળકને ર૧ વર્ષ સુધી ‘આફ્ટર કેર યોજના’માં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે.
 ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલાં આવાં બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં કહ્યું કે, નિરાધાર બનેલા બાળકોનો આધાર અમારી આ સંવેદનશીલ સરકાર બની છે.
બાળક ભાવિ નાગરિક છે અને એના ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર આ યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે તેમ જણાવી તેમણે ગરીબ, સાધારણ આવક ધરાવતાં ધરાવતાં પાલકને બાળક બોજારૂપ ન બને તે માટે આ યોજના ઝડપથી કાર્યાન્વિત કરી બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાનું કાર્ય અમારી સંવેદનશીલ સરકારે સંવેદનશીલતાથી કર્યું છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવાં બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે.
 તેમણે કેન્દ્રની પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે PM Cares ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી.
 રાજ્ય સરકારે પણ નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને ૪૦૦૦ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આદર્યો છે તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું
મુખ્યમંત્રી એ એમ પણ ઉમેર્યું કે આ સરકાર ગરીબ વંચિત પીડિત લોકોને સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને બધી જ કલ્યાણ યોજનાઓ બનાવી તેનો અમલ કરી રહી છે અને કરતી રહેશે.
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા નિરાધાર બનેલા ૭૭૬ બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
મુખ્યમંત્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિતની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને બિરદાવ્યું હતું.

 સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે આ અવસરે જણાવ્યું કે,બાળકો ભારતનું ભવિષ્ય છે. આ હેતુ માટે બાળકના સર્વાંગી અને સુદ્ઢ વિકાસ માટે બાળકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે, આવાં બાળકોના અધિકારો અને સુરક્ષા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો અમલી બનાવ્યાં છે.
તેમણે પાલક માતા- પિતા યોજનાની રૂપરેખા આપી બાળકોના સર્વતોમુખી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી અત્યાર સુધી પાલક માતા- પિતા યોજનામાં ૧૭,૧૪૫ લોકોને લાભ આપવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.  મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આદિજાતી કમિશનર દિલીપકુમાર રાણા, નિયામક નાચીયા અને અધિકારીઓ આ વેળાએ ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિર્તીબેન દાણીધરીયા, સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતી વૈશાલીબેન જોષી અને લાભાર્થી બાળકો તેમજ તેમના પાલક વાલીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment