નડિયાદ ખાતે કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ

હિન્દ ન્યુઝ, નડિયાદ

    આ વિશેષ દિન નિમિતે જિલ્લામાં ૧૫૦ બુથ પર રસીકરણ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો

રસીકરણ મહાઅભિયાનમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ રસી લે એટલુ જ નહી વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયુ છે. ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા વિસ્તારના ૧૦૨૫ રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૧મી જુન સવારે ૯.૦૦ વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
   આજે નડિયાદ ખાતે દેસાઇ સંસ્કાર કેન્દ્રમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ અને જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં આ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ખેડા જિલ્લામાં રસીકરણના આ વિશેષ દિન નિમિતે કુલ ૧૫૦ બુથ પર રસીકરણ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. રસીકરણના અભિયાનને આગળ ધપાવવા વિશેષ કાર્યક્રમમાં વેક્સિનેશન માટેની શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહીયારા પ્રયત્નોથી આપણે આ વેક્સિનેશન કાર્યક્રમને આગળ ધપાવીશું. ગુજરાતમાં બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકોએ પોતાના સંતાનો તો કોઇએ માતા-પિતા આ સમયમાં ઘણો જ કપરો હતો. આપણા દેશમાં ૨૭ જાન્યુ, ૨૦૨૦માં પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારબાદ ધીમે ધીમે કોરોનાએ વેગ પકડી દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. એ સમય યાદ કરતા મને અત્યંત દુખ થાય છે કે સમયે આપણી પાસે કોઇ કોરોના વિરોધી કોઇ જ રસી ન હતી. પરંતુ અત્યારે દેશના વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નો બાદ સ્વદેશી વેક્સિનનો પ્રારંભ થયો અને આજે આપણે મહાઅભિયાન હેઠળ તમામ લોકોને મફત રસી આપીશુ. જેથી આ લોકો કોરોનાની સામે આરોગ્ય કવચ મેળવી શકે. આ રસીકરણ અભ્યાનમાં ડોક્ટર્સ અને આરોગ્યકર્મીના અસરકારક પ્રયત્નને કારણે આજે ભારતની સ્વદેશી વેક્સિન તૈયાર થઇ છે. આપણે NRI માટે પણ વેક્સિનની વ્યવસ્થા કરી છે તેમ તેઓએ ઉમેર્યું હતુ.
જિલ્‍લા કલેકટરએ આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરી સૌને રસી લેવા અપીલ કરી હતી.
ખેડા જિલ્‍લામાં મહુધા સીએચસી ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ, મહેમદાવાદ સીએચસી ખાતે ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, ઠાસરા સીએચસી ખાતે ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, લીંબાસી પીએચસી ખાતે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, અલીણા પીએચસી ખાતે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર અને પીએચસી ગોગજીપુરા ખાતે ધારાસભ્ય કાળુભાઇ ડાભી, ખેડા હોસ્‍પિટલ ખાતે નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણનનો કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી પી.આર.સુથારે કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરી સૌ લોકો રસી મુકાવવા આગળ આવે અને સરકારના આ રસીકરણ મહાઅભિયાનને સાચા અર્થમાં સાર્થક કરે તેવી સૌ લોકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિ, જિલ્લા અધિકારીઓ, હેલ્‍પ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment