નર્મદા જિલ્લામાં ડોક્ટરોને અભાવે કોરોના દર્દીઓને મુશ્કેલી પડે છે

હિન્દ ન્યૂઝ, રાજપીપળા

નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ ને વડોદરા SSG ખાતે ડ્યુટી માટે મોકલાયા છે, તો સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલના વેન્ટિલેટર પણ વડોદરા મોકલાયા છે. જેથી સ્થાનિક દર્દીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવતા મનસુખ વસાવાએ વેન્ટિલેટર અને સ્ટાફ પરત આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે.

નર્મદા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે તો બીજી બાજુ વડોદરા એસ.એસ.જી ખાતે મોકલાયેલા નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ સ્ટાફને પરત મોકલવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે.

મનસુખ વસાવાએ નીતિન પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે નર્મદામાં કોરોના કેસો વધી રહ્યા છે, એમ પણ ડોક્ટરોની અછતને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેથી વડોદરા એસ.એસ.જી ખાતે મોકલાયેલા નર્મદાના 5 ડોક્ટરો અને 45 નર્સને નર્મદા જિલ્લામાં પરત મોકલવામાં આવે. નર્મદા જિલ્લામાં ફિઝિશિયન ડોકટર ન હોવાથી કોરોના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈન્જેક્શનની સારવાર આપી શકાતી નથી. જેથી નર્મદા જિલ્લામાં તાત્કાલિક એક ફિઝિશિયન ડોક્ટરની નિમણુંક કરવામાં આવે અને વડોદરા કોવિડ હોસ્પિટલમાં નર્મદા અને ભરૂચ માંથી લઈ જવાયેલા વેન્ટિલેટર પરત મોકલવામાં આવે એવી મારી માંગ છે.

    અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં હાલ કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે તમામ મોટા જિલ્લાઓ માં દવાખાના હાઉસફુલ થઈ ગયા છે ઓક્સિજન અને વેન્ટિલેટર અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે પરંતુ નર્મદા જિલ્લાની રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં આ બધું ઉપલબ્ધ હોવા છતાં સ્ટાફ અને નિષ્ણાત ડૉક્ટર્સ ના અભાવે દર્દીઓને જરૂરી સારવાર મળતી નથી જેથી ” દીવા તળે અંધારા ” જેવી સ્થિતિ ઉભી થઇ છે જો જરૂરી ડોકટર અને વેન્ટિલેટર ચલાવી શકે તેવા નિષ્ણાંત રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સરકાર ઉપલબ્ધ કરાવે તો ચોક્કસ દર્દીઓના જીવ બચાવવા માં સફળતા મળી શકે તેમ છે. 

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment