ખનીજ ચોરી, ઓવરલોડ, ટ્રાફિકની સમસ્યા મુદ્દે કડક હાથે કાર્યવાહી કરાશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ 

સંકલન બેઠકમાં રજૂઆતો અંગે નિર્ણયો લેવાયા

મોરબી,
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો.
ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલ સંકલન બેઠકમાં ખનીજચોરી, ઓવરલોડેડ વાહનો, ટ્રાફિક, પ્રદુષણ, ગેરકાયદેસર બાંધકામો અંગે કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો બાબતે ચર્ચા કરી મોરબીમાં વિવિધ સ્થાનો નક્કી કરી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને ટ્રાફિકની વ્યવસ્થા વધુ સુચારુ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનન અને રેતી ચોરી મામલે થયેલી રજૂઆતો બાદ ખનીજ ચોરી કરનારાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરી ખનીજ ચોરી ડામવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

નવલખી બંદરમાંથી નીકળતાં ઓવરલોડ વાહનો, કોલસો કે મીઠુ ભરેલા ડમ્પરોમાં તાલપત્રી બાંધેલી ન હોય તેવા વાહનો પર કડક કાર્યવાહી કરવા પણ પોલીસ વિભાગને સુચના અપાઇ હતી. આ મુદ્દે પોલીસ, આરટીઓ અને પોર્ટ પ્રસાશન દ્વારા સંયુક્ત રીતે ડ્રાઇવ યોજવા પણ નક્કી કરવામાં આવ્યું હતું. જે ક્રશર પ્લાન્ટ પ્રદુષણના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોય તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.

ટંકારા તાલુકામાં પવનચક્કીઓ નાંખવા મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા અંગે પણ રજૂઆતો કરાઇ હતી. માળીયા તાલુકા સેવા સદનનું નવુ બિલ્ડીંગ બનાવવા તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર માટે જમીન ફાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલને રાત્રી સભામાં ગામડાઓના પ્રશ્નો સાંભળી તત્કાલ નિવારણ લાવવા માટે બેઠકમાં અભિનંદન પાઠવ્યા હતા જેને ઉપસ્થિત સૌ અધિકારી અને પદાધિકારીઓએ વધાવી લીધા હતા.
આ બેઠકમાં મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, પડધરી-ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહમદ પીરજાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા પ્રજાહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત વિભાગના અધિકારીઓએ નિકાલ લાવ્યા હતા અને જવાબો રજૂ કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીએ કર્યું હતું.
જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, આસીસ્ટન્ટ કલેક્ટર અને હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંઘ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાકાંનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જીઓલોજીસ્ટ યુ.કે. સીંઘ, ડે. એક્ઝીક્યુટીવ એન્જિનીયર એચ.એ. આદ્રોજા, ઉપરાંત જિલ્લાના તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર સહિતના જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment