હિન્દ ન્યુઝ, સુરત
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે એનેસ્થેસિયોલોજી વિભાગ દ્વારા તા.૧૬ ઓક્ટોબર- ‘વિશ્વ એનેશ્થેસિયા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.નીતા કવિશ્વરના દ્વારા યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીની સારવારમાં એનેસ્થેસિયોલોજિસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
‘વિશ્વ એનેસ્થેસિયા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સવારે જનજાગૃતિ અને પ્રાયોગિક તાલીમ આપતો ‘પંચરક્ષક–પાંચ જીવનરક્ષક કૌશલ્યો’ યોજાયો હતો. જેમાં છાતી પર દબાણ આપીને અપાતી CPR પદ્ધતિ, પગ ઊંચા કરીને લોહીનો પ્રવાહ હૃદય તરફ ધકેલવાની યોગ્ય રીત, અકસ્માત કે વાઇ(મૂર્છા) આવે તેવા સંજોગોમાં દર્દીને યોગ્ય ‘રિકવરી પોઝીશન’માં સુવાડવાની પદ્ધતિ, ગૂંગળામણ વખતે તાત્કાલિક મદદ પૂરી પાડવી તેમજ હૃદયનો હુમલો આવે ત્યારે જીવનરક્ષક દવાઓનો ઉપયોગ કરવા જેવી અગત્યની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની સ્થિતિમાં સમયસર અને યોગ્ય પ્રાથમિક સારવાર પૂરી પાડવાની સમજ વિકસાવવાનો હતો. તબીબી જ્ઞાન, જનજાગૃતિ અને દર્દી-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ “Safe Anaesthesia, Better Tomorrow” હતો.
બપોર પછીના શૈક્ષણિક સત્રમાં એનેસ્થેસિયા ઇતિહાસ, તેના ભવિષ્ય અંગેની રજૂઆતો તેમજ એનેસ્થેસિયા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા એનેસ્થેસિયોલોજી વિષય પર તૈયાર કરાયેલા આકર્ષક પોસ્ટર્સ અને રીલ્સનું પ્રદર્શન અને તેના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
