હિન્દ ન્યુઝ, ઉમરેઠ
“વિકસિત કૃષિ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિમાં યુવા મહિલા ખેડૂતોની ભૂમિકા” તથા “યુવા મહિલા કિસાન, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને મહિલા કૃષિનું સશક્તિકરણ” વિષયને કેન્દ્રમાં રાખીને આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ તાલુકાના બેચરી ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત રૂપલબેન પટેલના ખેતર ખાતે ‘મહિલા કિસાન દિવસ – ૨૦૨૬’ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ખેતીમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાન, પ્રાકૃતિક ખેતી અને તેના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. ગ્રામીણ મહિલા જૂથો આર્થિક રીતે સધ્ધર કેવી રીતે બની શકે, પોતાની પ્રાકૃતિક ખેત પેદાશોના બજારમાં સારા ભાવ કેવી રીતે મેળવી શકે અને કેમિકલમુક્ત ખેતી અપનાવીને સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મહિલાઓ પોતાના નવા વ્યવસાયો અને ગૃહ ઉદ્યોગો શરૂ કરી આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની પ્રેરણાથી ચાલતી ‘એક પેડ મા કે નામ’ તથા ‘એક પેડ રાષ્ટ્ર કે નામ’ અભિયાન અંતર્ગત મહિલા કિસાન દિવસના અવસરે મહિલાઓ દ્વારા વિવિધ ઔષધીય રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં કદમ, બોરસલી, નગોડ, તુલસી, અર્જુન અને લક્ષ્મીતરૂ જેવા ગુણકારી છોડ વાવવામાં આવ્યા હતા. ઉપરાંત પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા ગામમાં ૧૦૮ તુલસીના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર સુરેશભાઈ મહેરીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના મહિલા કૃષિ નિષ્ણાત ડૉ.હર્મિશા સોજીત્રા અને ડૉ.મીરલ સુથાર, વેટરનરી ઓફિસર ડો.ઉન્નતિ શુક્લા, આત્મા આસિ.ટેક્નો.મેનેજર ઉપલ રાજ, ગુજ.પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એગ્રી આસિસ્ટન્ટ નિલેશભાઈ, મિશન મંગલમથી પ્રકાશભાઈ, બેચરી ગામના સરપંચ દર્શનાબેન પટેલ પ્રગતિશીલ ખેડૂત ભગવતભાઈ પટેલ તેમજ કૃષિ સખી ચંદ્રીકાબેન સહિત મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
