આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ: ગરીબી મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો જરૂરી

હિન્દ ન્યુઝ, આણંદ

    વિશ્વમાં દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ગરીબીની સમસ્યા અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવાનો, ગરીબ અને વંચિત વર્ગના લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો તથા દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન જીવવાની સમાન તક મળે તે માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. ગરીબી માત્ર આર્થિક સમસ્યા નથી, પરંતુ તે શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગારી અને જીવનની મૂળભૂત સુવિધાઓ સાથે પણ જોડાયેલી છે. સમાજના દરેક વ્યક્તિને પૂરતું ભોજન, સ્વચ્છ પાણી, રહેઠાણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય ત્યારે જ સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં ગરીબી નાબૂદી માટે જાગૃતિ ફેલાવવા, સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને ગરીબ પરિવારોની સમસ્યાઓ તરફ સમાજનું ધ્યાન દોરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ગરીબી દૂર કરવી એ માત્ર સરકારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે.

ગરીબી મૂક્ત સમાજની રચનામાં શિક્ષણ એ સૌથી અસરકારક માધ્યમ બની રહે છે. શિક્ષણ વ્યક્તિને માત્ર જ્ઞાન જ નથી આપતું, પરંતુ તેને રોજગારી મેળવવા, સ્વાવલંબી બનવા અને પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ બનાવે છે. ગરીબ પરિવારોનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સમાન તકો મળે તો તેઓ ભવિષ્યમાં પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ માટે શાળાકીય શિક્ષણની સાથે ઉચ્ચ શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ અને ડિજિટલ શિક્ષણની સુવિધાઓનો વ્યાપ વધારવો જરૂરી છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું આવશ્યક છે, કારણ કે શિક્ષિત દીકરી પોતાના જીવનમાં આત્મનિર્ભર બનવાની સાથે પરિવાર અને સમાજના વિકાસમાં પણ યોગદાન આપી શકે છે.

ગરીબી નાબૂદી માટે રોજગારીની તકોનું સર્જન અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. વ્યક્તિને પોતાની ક્ષમતા અને કૌશલ્ય અનુસાર કામ મળે તથા મહેનતનું યોગ્ય વળતર પ્રાપ્ત થાય તો તે પોતાના પરિવારની જરૂરિયાતો સારી રીતે પૂર્ણ કરી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગો, હસ્તકલા અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવાથી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. બીજી તરફ, યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ આપીને રોજગારલક્ષી બનાવવાથી તેઓ આત્મનિર્ભર બની શકે છે.

મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સ્વસહાય જૂથો પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યાં છે. મહિલાઓ સંગઠિત થઈને બચત, નાના વ્યવસાયો અને સ્વરોજગારની પ્રવૃત્તિઓ સાથે જોડાય ત્યારે તેમના પરિવારમાં આર્થિક સ્થિરતા વધે છે. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ગરીબી નાબૂદીની સાથે સામાજિક સમાનતા સ્થાપિત કરવામાં પણ મદદરૂપ બને છે.

ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની સાથે તેમના જીવનધોરણમાં બદલાવ લાવી તેમને વિકાસમાં જોડવાનો છે.

ગરીબી નિર્મૂલનના ભાગ રૂપે સરકાર દ્વારા અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવાસ, આરોગ્ય, વિધવા પેન્શન જેવી યોજનાઓ થકી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં સરકાર મદદરૂપ બની રહી છે.

સરકારી યોજનાઓનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. ઘણી વખત માહિતીના અભાવને કારણે પાત્ર વ્યક્તિઓ યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સામાજિક કાર્યકરો અને જનસેવા સાથે સંકળાયેલા કર્મચારીઓની ભૂમિકા મહત્વની બને છે. યોજનાઓની માહિતી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવી, અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવું અને લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો અંગે સમજ આપવી એ ગરીબી નાબૂદીના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકે છે.

ગરીબી નાબૂદીનો સાચો અર્થ માત્ર વ્યક્તિની આવકમાં વધારો કરવો નથી, પરંતુ આવકની સાથે વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પોષણ, સુરક્ષિત રહેઠાણ અને સન્માનપૂર્ણ જીવનની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યારે સમાજના દરેક વર્ગને વિકાસની સમાન તક મળશે, ત્યારે જ સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે.

ગરીબી મુક્ત સમાજનું નિર્માણ માત્ર એક દિવસનો સંકલ્પ નથી, પરંતુ સતત પ્રયત્નો, યોગ્ય આયોજન અને સામૂહિક જવાબદારીથી સાકાર થતું લક્ષ્ય છે. દરેક બાળકને શિક્ષણ મળે, દરેક પરિવારને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય અને દરેક વ્યક્તિ સન્માન સાથે જીવન જીવી શકે તેવા પ્રયાસો જ ગરીબી નાબૂદીના સાચા અર્થને સાકાર કરશે. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ નિમિત્તે ગરીબી મુક્ત, સમાનતાયુક્ત અને માનવતાવાદી સમાજના નિર્માણ માટે સૌએ પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ.

ભારત જેવા વિશાળ અને વૈવિધ્યતા ધરાવતા દેશમાં ગામડાંમાં રોજગારી, સિંચાઈ, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સેવાઓની સુવિધાઓનો વિકાસ થાય તો સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે. ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ આપવાથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બની શકે છે. જયારે ગામડુ સુશિક્ષિત – સમૃધ્ધ બનશે ત્યારે જ ગામડામાં વસતો ગરીબ ગ્રામ્યજન સમૃધ્ધિની દિશામાં આગળ વધી શકશે.

Related posts

Leave a Comment