પેટલાદ ખાતે રૂ. ૯.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

રાજ્ય સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અભિયાન હેઠળ પેટલાદ ખાતે અંદાજિત રૂપિયા ૯.૩૫ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારમાં જનસુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.

મંત્રી કમલેશભાઈ પટેલે કહ્યું હતું કે, બસ સ્ટેન્ડ પણ એરપોર્ટ જેવા સુવિધાજનક હોવા જોઈએ તેવા પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતમાં ‘બસ પોર્ટ’ની સંકલ્પના અમલી બનાવી છે. જેના પરિણામે વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગોધરા, અંબાજી અને આણંદની જેમ પેટલાદ ખાતે પણ અનેકવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસ સ્ટેશન આકાર લેવા જઈ રહ્યું છે.

પેટલાદ આજુબાજુના ખંભાત, તારાપુર, સોજીત્રા, બોરસદ, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારો તથા ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સાંકળતું એક મહત્વપૂર્ણ સેન્ટર છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ આધુનિક બસ સ્ટેશન પેટલાદ અને આસપાસના સમગ્ર વિસ્તારના નાગરિકો માટે સુવિધાસભર મુસાફરીનું માધ્યમ બનશે. આ ઉપરાંત પેટલાદ રેલવે જંકશનના થઈ રહેલા વિકાસ સાથે રોડ અને રેલ બંને માધ્યમોથી આ વિસ્તારની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે તેવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ એસ.ટી. નિગમના કર્મચારીઓ અને અધિકારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે નાણાકીય જોગવાઈઓ કરવા બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રત્યે આ તકે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, તાલુકા પંચાયતના અધ્યક્ષ રણજીતસિંહજી, નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી કોકિલાબેન, નડિયાદ એસ.ટી વિભાગના અધિકારી મહાજન, પ્રાંત અધિકારી કિંજલ દેસાઈ, અગ્રણીઓ સર્વ વિજયભાઈ, ધર્મેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, એસ.ટી. નિગમના હોદ્દેદારો-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment