બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ 

         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના શ્રમિકોના કલ્યાણ માટે અને રાજ્યના મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા “શ્રમિક અન્નપુર્ણા બુથ”ની વ્યવસ્થા કરવામાં આવી છે. 

        જે અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શહેરના ટાવર રોડ સ્થિત દેના બેંક વિસ્તારમાં “શ્રમિક અન્નપુર્ણા બુથ”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લામાં ૨(બે) કડીયાનાકા પર અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ થયો હતો. 

       ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણી કરાવેલ હોય તેવા બાંધકામ શ્રમિકોને પૂરા પરિવાર માટે એક ટંકનું ભોજન મળશે. આ સાથે “ધન્વંતરિ આરોગ્ય રથ” યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બાંધકામ શ્રમિકોને સમયે સમયે જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર તેમજ દવાઓ આપવા ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. બોટાદ જિલ્લામાં ૩(ત્રણ) ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા કુલ ૨,૩૪,૮૮૦ OPD કરવામાં આવ્યું છે. 

         ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ આપવામાં આવશે. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણકાર્ડ લઈ, કેન્દ્ર પર જવાનું રહેશે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર.કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ.પ/- નું ટોકન લઈ શ્રમિક પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન મેળવી શકશે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એકવાર સુખડી, શિરો જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે. 

         જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ના હોય તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે. તથા ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણકાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકશે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાંથી બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવશે .

          આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા નાયબ કલેકટર -૨ જયદીપસિંહ સોલંકી, મામલતદાર, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                                                                                                                                           

          

Related posts

Leave a Comment