જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી, તેમજ ચાલુ અને પૂર્ણ થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં રાશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવામાં આવી જેમાં બાકી રહી ગયેલા રાશન કાર્ડ ધારકોની e-KYC ની કામગીરી ઝુંબેશરૂપે પૂર્ણ કરવા અને દરેક રાશન ધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે કોઈપણ વ્યક્તિ તેમાં બાકી રહી ન જાય તે મુજબ કામગીરી પૂર્ણ કરવી. તેમજ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરની તમામ હોટલોના ખાદ્ય પદાર્થોની તપાસ કરવા તેમજ ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ જાય તેવા કિસ્સામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

આ ઉપરાંત, ‘પી.એમ. પોષણ’ યોજના હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે, સમયસર અનાજનું વિતરણ, ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ નિયમિત દૂધ મળી રહે તે સુનિશ્ચિત કરવા શાળાના આચાર્યો પાસે રિપોર્ટ મંગાવવા સૂચના અપાઈ હતી. આ સાથે જિલ્લામાં ૧૮ અને ૧૯ વર્ષના યુવક યુવતીના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા કામગીરી પૂર્ણ કરવા. તેમજ આરોગ્ય, પશુપાલન, ICDS અને શિક્ષણ વિભાગ માટે નવીન બાંધકામ અર્થે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વાહિવટદાર પ્રતીક જૈન, DRDA નિયામક સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment