હિન્દ ન્યુઝ, નવસારી
ભારતના વડાપ્રધાન ગુજરાત રાજ્યના નવસારી જિલ્લા ખાતે પધારનાર હોય, ત્યારે દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગરૂપે નવસારી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” હાથ ધરવામાં આવી રહ્યું છે.
એ.ટી.એસ. તથા કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને હજીરા, સુરતના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના લેન્ડિંગ પોઈન્ટ ધોલાઈબંદરથી પોંસરી-બિગરી કોસ્ટલ વિસ્તાર સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
નવસારી સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર યુ.જે. પટેલની આગેવાની હેઠળ મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તેની તાત્કાલિક જાણકારી મળી રહે તે માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
