હિન્દ ન્યુઝ, દાહોદ
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકા કક્ષાએ તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીબી રોગના નિયંત્રણ, વહેલી તકે નિદાન, સારવાર તથા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટીબીના લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું હતું કે, બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી રહેતી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો આવવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ટીબીની તપાસ કરાવવી, જેથી રોગનું વહેલું નિદાન થઈ શકે અને ટીબીના સંક્રમણનું જોખમ ઘટાડી શકાય.
હાલમાં દાહોદ તાલુકાના હાઈ રિસ્ક ટીબી ગામોમાં પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા હાઈ રિસ્ક વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. જે-તે ગામમાં પોર્ટેબલ એક્સ-રે કેમ્પ યોજાય ત્યારે ટીબીના લક્ષણો ધરાવતા તેમજ હાઈ રિસ્ક વ્યક્તિઓએ કેમ્પનો લાભ લઈ તાત્કાલિક એક્સ-રે કરાવવા અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી, દાહોદ શ્રી મિલિંદ દવે, તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલ રાઠવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયા, મામલતદાર શ્રી પી.બી. ગોહિલ, એટીવીટીના સભ્યો તેમજ ઘટક ૧, ૨ અને ૩ના સીડીપીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે દાહોદના પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે દ્વારા નિક્ષય મિત્ર તરીકે જોડાઈ ૩ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિક્ષય મિત્ર તરીકે ટીબી દર્દીઓને પોષણ સહાય પૂરી પાડી સમાજમાં જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બેઠકના અંતે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
