વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના વડોદરા પ્રવાસના અનુસંધાને જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામોના નિર્માણના ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયતો દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

વિશેષ સેવા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૨૫૦ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલ ૩૧૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત, આશરે ૫૦૫ કિલોમીટર જેટલા રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી તેમજ અંદાજે ૧,૮૩૫ મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી હતી. 

અભિયાન દરમિયાન ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળા પરિસરો તેમજ અન્ય જાહેર સ્થળોએ સઘન સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે તળાવો, કુવાઓ, જળાશયો તથા તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે અને સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ થાય તે માટે ગ્રામ પંચાયતો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતો દ્વારા ઘન કચરાના સંગ્રહ, પરિવહન અને યોગ્ય નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી હતી. સફાઈ કામગીરી સાથે ગ્રામજનોમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કેળવવા માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખી તેને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ સમગ્ર વિશેષ સેવા અભિયાનના પરિણામે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, સુંદરતા અને સ્વસ્થ પર્યાવરણ જાળવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા અંગે નાગરિકોની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સઘન સફાઈ અભિયાન દ્વારા “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા, આરોગ્ય અને સુંદર પર્યાવરણને પ્રાથમિકતા આપીને ગ્રામ પંચાયતો, વહીવટી તંત્ર અને ગ્રામજનોની સહિયારી ભાગીદારીથી ગામોને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો.

 

 

Related posts

Leave a Comment