હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ છે. શૈક્ષણિક પ્રશાસન ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયોગો, ગુણવત્તાસભર આયોજન તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય સ્તરે મળેલી નોંધપાત્ર માન્યતાના પરિણામે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી ખાતે આજરોજ યોજાયેલા “Award Function on Innovation and Good Practices in Educational Administration” કાર્યક્રમમાં Department of Educational Administration દ્વારા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રશાસનિક કામગીરીની નોંધ લઈ આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ અવસરે પ્રોફેસર રમાશંકર ડૂબે, ચાન્સેલર, નીપા, નવી દિલ્હી, પ્રોફેસર જે. એસ. રાજપુત, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તથા ભૂતપૂર્વ ડાયરેક્ટર, એનસીઈઆરટી તેમજ નવી દિલ્હીના પ્રોજેક્ટ ડાયરેક્ટરના વરદહસ્તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડેને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી વિશેષ સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે અનેક નવીન અને પરિણામલક્ષી પહેલો હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસની તકો ઉપલબ્ધ કરાવી વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. જેના પરિણામે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પુનઃપ્રવેશ મેળવી સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વધતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત લોકસંયોગ, લોકભાગીદારી અને CSR (Corporate Social Responsibility) ના માધ્યમથી જિલ્લાની સરકારી શાળાઓને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમાજના દાતાશ્રીઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વાલીઓ અને સ્થાનિક સમુદાયના સહયોગથી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક શૈક્ષણિક સાધનો, પુસ્તકાલય, રમતગમતની સુવિધાઓ, સ્વચ્છતા સુવિધાઓ તેમજ બાળમૈત્રીપૂર્ણ અને આકર્ષક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
“સરકારી શાળા – ગુણવત્તાસભર શિક્ષણનું શ્રેષ્ઠ સરનામું” એવા અભિગમ સાથે વડોદરા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ નવતર પ્રયાસો આજે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય અને પ્રેરણાદાયી બન્યા છે. શૈક્ષણિક પ્રશાસનમાં નવીન વિચારોને અસરકારક અમલીકરણ સાથે જોડીને સમાજની સક્રિય ભાગીદારી દ્વારા સરકારી શાળાઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીને આ રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા વિશેષ માન્યતા મળી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડેના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલા આ નવતર પ્રયોગો અને સફળ પહેલો અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. નવી દિલ્હી ખાતે મળેલું આ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ વડોદરા જિલ્લાના સમગ્ર શિક્ષણ પરિવાર, શિક્ષકો, શાળાના વડાઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકભાગીદારીથી જોડાયેલા તમામ સહયોગીઓનું સામૂહિક ગૌરવ છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડે સાહેબને વડોદરા જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
“નવતર વિચાર, અસરકારક અમલીકરણ અને લોકભાગીદારીના સમન્વયથી વડોદરા જિલ્લાનું શિક્ષણ આજે રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ બનાવી રહ્યું છે.
