હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નગરાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પી.એચ.સી. ખાતે ઉપલબ્ધ દર્દી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી તેમજ હોસ્પિટલની સમગ્ર કામગીરીનું સઘન મૂલ્યાંકન કર્યું હતું.
મુલાકાત દરમિયાન ડૉ. ટીલાવતે પી.એચ.સી.ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સમયસર અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ઓપીડીમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યા હતા તેમજ આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક પગલાં અંગે જરૂરી સલાહ આપી હતી.
ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તેમણે હોસ્પિટલ પરિસર તથા સમગ્ર સેવા વિસ્તારની સ્વચ્છતા, એન્ટી-લાર્વલ કામગીરી, પીવાના પાણીના ક્લોરીનેશન અને ડસ્ટિંગની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મચ્છરજન્ય તથા જન્ય રોગચાળાના નિયંત્રણ માટે આ તમામ કામગીરી નિયમિત અને અસરકારક રીતે કરવા સંબંધિત સ્ટાફને કડક સૂચના આપવામાં આવી હતી.
અંતમાં ડૉ. ટીલાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સાથે રોગચાળા નિયંત્રણની નિવારક કામગીરી આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેક આરોગ્ય કર્મચારી પોતાની જવાબદારી પૂર્ણ નિષ્ઠા અને સંવેદનશીલતાથી નિભાવે તે અત્યંત જરૂરી છે.”
