હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના હરિયાળા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સિંગાણા ગામ પાસેનો ગિરમાળ ધોધ ચોમાસાની ઋતુમાં પોતાના મનમોહક સ્વરૂપે ખીલી ઊઠ્યો છે. સતત વરસાદને કારણે ધોધમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારાનો આનંદ માણવા ઉમટી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં હરિયાળીથી છલકાતો વિસ્તાર, ધોધનો ગર્જનાભર્યો પ્રવાહ અને મનોહર વાતાવરણ પ્રકૃતિપ્રેમીઓ માટે અનોખો અનુભવ સર્જે છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રવાસીઓમાં વિશેષ લોકપ્રિય બન્યું છે.
ત્યારે ડાંગ જિલ્લાના આવા જ પ્રાકૃતિક સ્થળની મુલાકાતે પધારેલા સુરતના સુ સ્મિતાબેન નાયકાવાલાએ ડાંગ જિલ્લામાં આવેલાં સિંગાણા ધોધ, યુ ટર્ન સહિતના વિવિધ પ્રાકૃતિક સ્થળોની ચોમાસા દરમિયાનની હરિયાળી પ્રકૃતિને મનભરીને માણતા તેની બે મોઢે પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આવા સ્થળો કુદરતના અદભૂત સૌંદર્યનો અનુભવ કરાવતાં હોવાથી આ વિસ્તાર રાજ્યના મહત્વના ઇકો-ટુરિઝમ સ્થળ તરીકે પણ ઓળખ મેળવી રહ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને વરસાદી ઋતુ દરમિયાન પૂરતી સાવચેતી રાખવા, ધોધના જોખમી વિસ્તારોમાં ન જવા, પાણીના તેજ પ્રવાહમાં ઉતરવાનો પ્રયાસ ન કરવા તેમજ બાળકો પર વિશેષ નજર રાખવાની અપીલ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્થળની સ્વચ્છતા જાળવી રાખી પર્યાવરણ સંરક્ષણમાં પણ સહભાગી બનવાનો અનુરોધ કરાયો છે.
