હિન્દ ન્યુઝ, ડાંગ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આહવા તથા સાપુતારા સેવા કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત તા. 6 થી 20 ઓગસ્ટ દરમિયાન આયોજિત જનજાગૃતિ કાર્યક્રમોની શ્રેણીનો પ્રેરણાદાયી પ્રારંભ આજે સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગભાઈ જોશી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી (DHO)ના પ્રતિનિધિશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ના પ્રતિનિધિશ્રી તેમજ સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે ગંભીર પડકારરૂપ છે. યુવાનો જો દરેક પ્રકારના નશા અને વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવે તો તેઓ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત, સંસ્કારી અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા અને વ્યસનમુક્ત યુવા પેઢીને વિકસિત ભારતના મજબૂત પાયારૂપ ગણાવી હતી.
કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનો દ્વારા રાજયોગ ધ્યાન, આત્મજાગૃતિ અને મૂલ્યઆધારિત જીવનશૈલીના માધ્યમથી વ્યસનમુક્ત જીવન જીવવાના સરળ ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નશામુક્તિની પ્રતિજ્ઞા લઈને પોતે વ્યસનથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર અને સમાજમાં પણ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ બ્રહ્માકુમારી સંસ્થાના આ જનહિતલક્ષી પ્રયાસની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં પણ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ વધુ વ્યાપક સ્તરે યોજાતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તા. 6 થી 20 ઓગસ્ટ દરમિયાન ડાંગ જિલ્લાના વિવિધ શાળા-કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવા માટે વ્યાખ્યાન, પ્રતિજ્ઞા કાર્યક્રમો, રાજયોગ ધ્યાન, સંવાદ સત્રો તથા અન્ય પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
