હિન્દ ન્યુઝ, દાહોદ
Bભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ નું વ્યાપક આયોજન કરવામાં આવશે.
હર ઘર તિરંગા અભિયાન-2026 હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. અભિયાન દરમિયાન નાગરિકોને પોતાના ઘર, કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ 2026 દરમિયાન યોજાનારી તમામ પ્રવૃત્તિઓને “વંદે માતરમના 150 વર્ષ”ની ઉજવણી સાથે પણ સાંકળવામાં આવશે, જેથી સ્વાતંત્ર્ય ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વધુ વ્યાપક રીતે જનમાનસ સુધી પહોંચે.
રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકોને ઉત્સાહપૂર્વક ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ માં સહભાગી બની દેશપ્રેમની ભાવના પ્રગટ કરવા અપીલ કરવામાં આવી છે.
