હિન્દ ન્યુઝ, ડાંગ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અને ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંગ ઝાલા તેમજ જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય અને ગર્વ લેવા જેવી પ્રગતિ કરી રહી છે. વર્તમાન પેઢીની દીકરીઓ પાસે પોતાના સ્વપ્નો અને લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે અનુકૂળ વાતાવરણ અને નવી દિશાઓ ઉપલબ્ધ છે, જે વર્ષો પહેલાંની મહિલાઓ માટે એક મોટો પડકાર હતો.” આ બાબતે વર્તમાન સમયની મહિલાઓને અત્યંત નસીબદાર ગણાવતા તેમણે ઉમેર્યું કે, “જીવનમાં પ્રત્યેક વ્યક્તિ માટે સ્વતંત્રતા અનિવાર્ય છે. કોઈ વિષય કે વસ્તુ ન આવડવી એ આળસ નથી, પરંતુ તેના પર વધુ મહેનત કરીને તેને ઊંડાણપૂર્વક સમજવાનું લક્ષ્ય બનાવવું જોઈએ. માત્ર સરકારી પરીક્ષાઓ પાસ કરવા પૂરતું જ નહીં, પણ જીવનના ડગલે ને પગલે મહિલા સશક્તિકરણને ઉજાગર કરતી નાની-નાની બાબતોને પણ સમજવી જરૂરી છે. સાથોસાથ, પરંપરાગત સામાજિક કે કૌટુંબિક સીમાઓથી ઉપર ઊઠીને પોતાના વિકાસ વિશે વિચારવું એ સ્વાર્થ નથી; અન્યની સાથે પોતાના માટે પણ જીવતા શીખવું જોઈએ. કોઈના કહેવાથી નહીં, પરંતુ ‘મને ગમે છે અને મારે કંઈક કરી બતાવવું છે’ તેવા દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કૌશલ્ય વિકાસ પણ શીખવું જરૂરી છે તેમ જણાવી, કલેક્ટરશ્રીએ દીકરીઓને પોતાનું નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા સખત મહેનત કરવા જણાવ્યું હતું. આ સાથે નાની ઉંમરે લગ્ન ન કરવા તથા જો કોઈ દીકરી આર્થિક કે સામાજિક પરિસ્થિતિઓને કારણે શાળા છોડતી હોય તો તેને સમજાવીને પુનઃ અભ્યાસમાં જોડવા અપીલ કરી હતી. વધુમાં, કલેક્ટરશ્રીએ ‘વિકસિત ભારત @૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાએ દીકરીઓને પોતાની ઈચ્છા મુજબ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અન્ય લોકોને રોલ મોડેલ બનાવો, પરંતુ જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું તેનો આખરી નિર્ણય તમારો પોતાનો જ હોવો જોઈએ. દરેક વ્યક્તિ અલગ-અલગ ક્ષેત્રમાં આગળ વધી શકે છે, તેના માટે સ્પષ્ટ ધ્યેય અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે.
જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવે વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી મુંઝવણો દૂર કરી, વિદ્યાર્થી અવસ્થામાં ‘જિજ્ઞાસાવૃત્તિ’ કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઇન્ટરનેટ, ઓડિયો-વિઝ્યુઅલ અને વર્તમાનપત્રો જેવા માધ્યમોનો ઉપયોગ કરીને નવી બાબતો શીખવાની સલાહ આપી હતી. પોલીસ વડાએ પોતાની UPSC પરીક્ષાની તૈયારીના અનુભવો શેર કર્યા હતા, તથા પરીક્ષામાં ક્યારેય નિરાશ ન થવા બાબતે સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું, જેનાથી ઉપસ્થિત વિદ્યાર્થીનીઓમાં નવો ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો. તેમણે તાકીદ કરી હતી કે પરીક્ષાના ભયથી ક્યારેય પણ હતાશ થઈને કોઈ ખોટું પગલું ન ભરવું, પરંતુ મુક્ત મને અને હળવાશથી તૈયારી કરવી. ભારત દેશ અઢળક તકોથી ભરેલો છે; બસ કાબિલ બનો, પોતાની આવડતને પારખો અને સાચી દિશામાં ૧૦૦ ટકા મહેનત કરો. સક્ષમ વ્યક્તિત્વ સાથે સાચા પ્રયાસો કરનારને સફળતા ચોક્કસ મળે જ છે.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમો પણ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાની, વિવિધ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
