લખપત-કોટેશ્વર રોડ પર પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતા રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણાધિન કનોજ મેજર બ્રિજની કામગીરી પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લામાં લખપત-કોટેશ્વર રોડ પર આવેલ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજના નવનિર્માણ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી નકશા અને અંદાજો તૈયાર કરીને બાકીની તમામ પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ કરીને એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

અંદાજિત રૂ. ૧૪ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ બ્રિજના કામની હાલમાં પાઈલની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. રિટેનિંગ વોલ, એબટમેન્ટ, ફાઉન્ડેશન, પાઈલ કેપ અને રિઇન્ફોર્સમેન્ટ (સ્ટીલ ફિક્સિંગ) સહિતના વિવિધ તબક્કાના કામો ગુણવત્તાના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરીને પ્રગતિમાં છે. સાઇટ પર જરૂરી અદ્યતન મશીનરી અને કુશળ માનવબળની મદદથી આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાલની ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંક્રિટના યોગ્ય ક્યોરિંગ, સલામતીના નિયમોનું પાલન તથા ગુણવત્તા નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ તમામ કામગીરી માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર્સ અને તકનીકી અધિકારીઓના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર તરફ જતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને આખા વર્ષ દરમિયાન સુરક્ષિત અને સરળ અવરજવરની સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે આ સમગ્ર વિસ્તારના સામાજિક, આર્થિક અને પ્રવાસન વિકાસને પણ નવો વેગ મળશે તેમ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) ભુજ-કચ્છ દ્વારા જણાવાયુ છે.

Related posts

Leave a Comment