હિન્દ ન્યુઝ, દાહોદ:
આગામી તારીખ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દાહોદ શહેર તથા જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે દાહોદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા ‘ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧’ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
વાહન વ્યવહાર માટેના મુખ્ય પ્રતિબંધો અને ડાયવર્ઝન:
૧. દાહોદ શહેર:
એસ.ટી. અને ખાનગી બસો: જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા, પીટોલ (M.P.)અને ગોધરા રોડ તરફથી આવતી બસો માટે પડાવ બજાર તથા ગોધરા રોડ જકાતનાકા થઈને સીધા બસ સ્ટેશન આવવા પર પ્રતિબંધ રહેશે. આ બસોએ સતી તોરલ હોટેલ થઈ ઝાલોદ રોડ બાયપાસથી બસ સ્ટેન્ડ તરફ જવાનું રહેશે.
બજાર વિસ્તારમાં પ્રવેશ બંધ: પેસેન્જર ભરીને ચાલતા ખાનગી વાહનો (જીપ, ટેમ્પો, છકડા વગેરે) માટે ચારેય તરફથી દાહોદ બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
રેલીના માર્ગો પર પ્રતિબંધ: રેલી દરમિયાન માણેકચંદ ચોક, ગરબાડા ચોકડી, ગાંધી ચોક, આંબેડકર સર્કલ, ઠક્કરબાપા ચોકડી, પડાવ સર્કલ, બિરસામુંડા ચોક, જનતા ચોક અને એમ.જી. રોડ તરફના માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.
ઝાલોદ તરફથી આવતા વાહનો: ખરોડ તીન રસ્તાથી ગરબાડા, ગોધરા અને કતવારા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
૨.લીમખેડા વિસ્તાર:*ગોધરા તરફથી લીમડી, ઝાલોદ તથા બાંસવાડા (રાજસ્થાન) તરફ જતાં ભારે વાહનો અને એસ.ટી. બસો લીમખેડા બજારમાં પ્રવેશી શકશે નહીં. આ વાહનોને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક સતી તોરલ હોટેલથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
લીમખેડાના પેસેન્જરો માટે પાંખી બસ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપી, સર્કિટ હાઉસ ચોકડીથી ધાનપુર તરફના રસ્તે ડાયવર્ઝન રહેશે.
૩.લીમડી વિસ્તાર:
દાહોદથી લીમડી/ઝાલોદ તરફ આવતા-જતા વાહનો લીમડી શહેરમાં પ્રવેશ કરવાને બદલે ખેડા બાયપાસથી ઝાલોદ તરફ અવરજવર કરશે.
લીમખેડાથી આવતા વાહનો લીમખેડા બ્રિજથી ઝાલોદ બાયપાસ થઈ ચાકલીયા તરફથી પસાર થશે.
સંજેલી અને કરંબા તરફથી આવતા વાહનો કરંબા બાયપાસ રોડનો ઉપયોગ કરશે.
આ જાહેરનામું તારીખ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રેલી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ગર્ભવતી મહિલાઓ કે ગંભીર દર્દીઓને લઈ જતા વાહનો, પોલીસ અને સુરક્ષા દળોના વાહનો, ફાયર બ્રિગેડ તેમજ સરકારી ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ‘ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩’ ની કલમ-૨૨૩ તથા ‘ગુજરાત પોલીસ અધિનિયમ’ની કલમ-૧૩૧ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
