હિન્દ ન્યુઝ, ઝાલોદ
દાહોદ icds વિભાગ દ્વારા ઝાલોદ ખાતે ઘટક-૧, ૨ અને ૩ ની સંયુક્ત માસિક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી, જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ધર્મિષ્ઠાબેન રાવત તથા જિલ્લા ‘સુપોષિત દાહોદ’ કન્સલ્ટન્ટ રાકેશભાઈ પગી દ્વારા ઝાલોદ વિસ્તારના ત્રણ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક સપ્રમાણ મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા તથા આંગણવાડીમાંથી મળતા તમામ સરકારી લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તે અંગે સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા આંગણવાડી મારફતે અમલમાં મુકાયેલી તમામ યોજનાઓનો બહોળો પ્રચાર-પ્રસાર કરી દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા આંગણવાડી કાર્યકરોને જણાવાયું હતું.ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સચોટ અને સુચારૂ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આંગણવાડી કાર્યકરો પોતાની દૈનિક કામગીરી વધુ સચોટ, અસરકારક અને યોગ્ય દિશામાં કેવી રીતે કરી શકે તે અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા વિશેષ પ્રોત્સાહક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઝાલોદના ત્રણેય ઘટકના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
