હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં પુરની પરિસ્થિતિ બાદ જનજીવન થાળે પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ શુક્રવારે સવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં જે વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા હોય તે વિસ્તારોમાં ઝડપભેર સર્વે પૂર્ણ થાય, કેશ ડોલ અને રાશન કીટનું વિતરણ, રોડ રસ્તાનું રીપેરીંગ અને વહેલીતકે સર્વે પૂર્ણ કરી નુક્શાનીના ક્લેઇમ મંજુર કરવા સહિતની અનેકવિધ કામગીરી અંગે આદેશ કર્યા હતા.
પુર બાદ વલસાડ જિલ્લાને ઝડપભેર બેઠો કરવા માટે બોલવાયેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, જિલ્લામાં રેસ્ક્યુની કામગીરી આજે મળસ્કે ૫:૩૦ વાગ્યા સુધી ચાલી હતી. હવે પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ સહિતની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહાર માટેના રસ્તા રીપેરીંગ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. શહેરી વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ તેમજ ભોંયતળિયે ભરાયેલા પાણીના નિકાલ માટે અને પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે વધારાના સ્ટાફની ફાળવણી કરવા જણાવ્યું હતું. ગંદકી, સડેલું અનાજ અને કચરાના નિકાલ માટે દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ બનાવી એક જેસીબી અને ત્રણ ટ્રક ગોઠવી યુદ્ધના ધોરણે ગંદકી ઉલેચવા વાપી મહાનગર પાલિકાના કમિશ્નર અને વલસાડ સહિતની અન્ય પાલિકાના ચીફ ઓફિસરઓને સૂચના આપી હતી. નુક્શાનીના ક્લેઇમ વહેલીતકે મંજુર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમો વધારી જલ્દી સર્વે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
પાછલા બે દિવસ દરમિયાન પૂરની સ્થિતિમાં કલેકટર નીતિન સાંગવાનના નેતૃત્વમાં થયેલી સફળ કામગીરી અંગે ટીમ વલસાડને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવી સાથે જ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓ પણ રાતભર લોકસેવામાં લાગ્યા હતા તેમને બિરદાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ મીડિયા બ્રિફિગમાં જણાવ્યું કે, ગામડામાં પાણી ઉતરતા વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે તૂટી પડેલા વીજ તાર, વીજ પોલ ઉભા કરવાની અને પાણીમાં ડૂબેલા ટ્રાન્સફોર્મરની રીપેરીંગ કામગીરી કરી વહેલી તકે વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. માર્ગ અને મકાનના તૂટેલા રસ્તાનું સર્વે કરી જલ્દીથી રીપેરીંગ કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવશે. પાણી ઉતરતા કેશ ડોલની સહાય માટે આજે સાંજથી સર્વે ચાલુ થઈ જશે. જે પૂર્ણ થતા જ સહાય ચુકવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને અરવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રભારી સચિવશ્રી રેમ્યા મોહન, વરિષ્ઠ સનદી અધિકારી આલોક પાંડે, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
