હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વરસાદ ખેચાયાની સ્થિતિમાં ઉભા પાકને રક્ષણ આપવા તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે ખેડૂતો માટે ખાસ ખેતી સલાહ અને કાળજીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. વરસાદના અભાવે જમીનમાં ભેજની ખોટ સર્જાતી હોય ત્યારે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે ખેડૂતોએ સમયસર જરૂરી તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.
જ્યારે ઉભા પાકમાં વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય, ત્યારે ખેડૂતોને નીચે મુજબના સાત અગત્યના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આંતર-ખેડ અને નીંદણ નિયંત્રણમાં જમીન અને પાકની અવસ્થા મુજબ સમયસર આંતર-ખેડ કરવી. નીંદણ દૂર કરવાથી જમીનનો ભેજ અને પોષક તત્વો મુખ્ય પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. માલ્ચિંગ (ભેજ સરંક્ષણ)માં બે ચાસ વચ્ચે સૂકું ઘાસ, પાંદડા કે પ્લાસ્ટિકનું મલ્યિગ કરવું. આનાથી જમીનમાંથી પાણીનું બાષ્પીભવન અટકે છે અને ભેજ લાંબો સમય ટકી રહે છે.
સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત પાણી હોય ત્યારે ધોરિયા પદ્ધતિને બદલે ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવી, જેથી પાણીનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય. પાકની કટોકટીની અવસ્થામાં પાકની કટોકટીની અવસ્થા (જેમ કે ફૂલ આવવાની કે દાણા ભરાવાની અવસ્થા) દરમિયાન ખાસ પિયત આપવું. પાણી ખૂબ જ ઓછું હોય તો એકાંતર ચાસે (એક ચાસ મૂકીને એક ચાસમાં) પિયત આપવું. પોષક તત્વોનો છંટકાવ ભેજની અછત સામે છોડને ટકાવી રાખવા માટે ૧૪ થી ૨% યુરિયા અથવા પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45) ના દ્રાવણનો પાક પર છંટકાવ કરવો. આનાથી છોડની રોગપ્રતિકારક શક્તિ અને તણાવ સહન કરવાની ક્ષમતા વધે છે.
પાકની પારવણી જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય ત્યારે વધારાના અને નબળા છોડ ઉપાડીને પારવણી કરવી, જેથી બાકીના છોડને પૂરતો ભેજ મળી રહે. સમયસર કાપણી પાક પરિપક્વતાની અવસ્થાએ પહોંચે ત્યારે સમયસર કાપણી કરી લેવી.
આ અંગે વધુ જાણકારી માટે સંબધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર:- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બોટાદની યાદીમાં જણાવાયું છે.
